Wed Sep 16 2026

Logo

ભચાઉમાં જૂની અદાવતમાં હિંસક ધીંગાણું: પથ્થરમારો અને ઘાતક હથિયારોથી હુમલો, સામસામે ૩૨ સામે ગુનો

2026-08-18 09:16:00
Author: Mumbai Samachar Team
ભચાઉમાં જૂની અદાવતમાં હિંસક ધીંગાણું: પથ્થરમારો અને ઘાતક હથિયારોથી હુમલો, સામસામે ૩૨ સામે ગુનો

ભુજઃ રસ્તા પરથી વાહન લાવવા-લઈ જવા અંગેની જૂની અદાવતમાં પૂર્વ કચ્છના ભચાઉના આર્મી સર્કલ પાસે બારોટ અને કાંઠેચા પરિવાર વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. બંને પક્ષે પથ્થરમારો, ધોકા અને ધારિયા વડે હુમલો કરાતાં ૧૫ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે ભચાઉ પોલીસે સામસામે ૩૨ લોકો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી વિગતો મુજબ, બે મહિના અગાઉ ભટ્ટ પાળિયા વિસ્તારમાં વાહન બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં ઈન્સ્ટાગ્રામ પર ધાક-ધમકીભરી કોમેન્ટ કરવામાં આવી હતી. આ મામલે સાયબર પોલીસ સુધી વાત પહોંચ્યા બાદ બંને પક્ષો વચ્ચે કડવાશ વધી હતી. ગત રાત્રે આ મુદ્દે બંને પક્ષના લોકો હથિયારો સાથે સામસામે આવી જતાં હિંસક ધીંગાણું ખેલાયું હતું.

અથડામણમાં એક હ્યુન્ડાઇ વર્ના કારને પણ નુકસાન થયું હતું. ઘવાયેલાઓમાં નવીન દાફડા, મનોજ દાફડા અને હરેશ કાંઠેચા નામના ત્રણ એડવોકેટનો સમાવેશ થતાં ભચાઉ બાર એસોસિએશને પોલીસ સમક્ષ તટસ્થ તપાસની રજૂઆત કરી છે.

પોલીસે સુરેશ કાંઠેચાની ફરિયાદ પરથી નયન બારોટ, અમિત બારોટ સહિત ૨૦ લોકો સામે તેમજ સામા પક્ષે નવીન બારોટની ફરિયાદ પરથી એડવોકેટ હરેશ કાંઠેચા સહિત ૧૨ લોકો સામે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)