Thu Mar 12 2026

Logo

શિવ રહસ્યઃ તમે કાલ છો તો હું મહાકાલ છું, શરણાગતની રક્ષા કરવી મારું કર્તવ્ય છે...

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

 

ભરત પટેલ

દેવર્ષિ નારદ બ્રહ્માજીનો સંદેશ લઈ ઋષિ મૃકુંદ પાસે પહોંચે છે અને સંદેશ આપતાં કહે છે, ‘મને સંદેશ આપતા દુ:ખ થાય છે, હે ઋષિવર, તમારી અનિચ્છાએ ગર્ભવતી બનેલી તમારી પત્ની સુતપા ફક્ત પાંચ વર્ષ છ મહિનાના આયુષ્ય ધરાવતા બાળકને જન્મ આપશે.’ આટલું સાંભળતાં જ ઋષિ મૃકુંદ કલ્પાંત કરી ઊઠે છે અને કહે છે ‘દેવર્ષિ આવો સંદેશ મોકલી બ્રહ્માજી શું સંદેશ આપવા માંગે છે?’ દેવર્ષિ નારદ તેમને સમજાવતાં કહે છે, ‘તમારા આ પ્રશ્ર્નમાં જ બ્રહ્માજીના સંદેશનો ઉત્તર સમાયેલો છે. થોડીક ધીરજ ધરી બ્રહ્માજીના સંદેશનો વિચાર કરો, તમને ઉત્તર અવશ્ય મળી જશે.’ દુ:ખી મૃકુંદ ઋષિ પોતાની કુટિરમાં પ્રવેશ કરતાં જ જુએ છે કે પત્ની સુતપા કલ્પાંત કરતી નજર પડે છે. 

સુતપા: ‘સ્વામી શું કરું? માતા પાર્વતીએ આપેલા આશિર્વાદ અને તમે કરેલી શિવ આરાધનાનું ફળ શું આ અલ્પઆયુ પુત્ર છે? શું પૂજા-આરાધનાનું ફળ આવું હોઈ શકે?’ સમજાવતાં ઋષિ મૃકુંદ કહે છે કે ‘આપણા જીવનમાં આવનારી વિપદાને આપણે મક્કમતા અને હિંમતથી સ્વીકારવી રહી. આવનાર બાળકને એના જીવનમાં વધુમાં વધુ પ્રેમ આપી એની દરેક ઈચ્છા પૂર્ણ કરવી આપણી જવાબદારી છે. કદાચ વિધાતાની આવી જ કોઈ ઇચ્છા હશે. ’દુ:ખી સુતપા કહે છે.‘તમે જે પણ વિચારતા હો તે મને માન્ય નથી, હું વિધાતાની ક્રૂરતાનો જવાબ આપવા જઈ રહી છું.

ઋષિ મૃકુંદ કહે છે, ‘ભગવાન શિવના સાક્ષાત દર્શન અને ત્યારબાદ તેમની આજ્ઞા હતી કે પતિ ધર્મ નિભાવી તમારી આકાંક્ષાઓને પૂર્ણ કરવી. એ આજ્ઞાથી મને તમારી ભક્તિ અને સમર્પણતા માટે ગર્વ થયો હતો, એ ગર્વને ખંડિત ન કરો. આજ સુધી વિધાતા સાથે કોઈ લડી નથી શક્યું. સંદેશ આપતી વખતે દેવર્ષિ નારદે કહ્યું હતું કે, ઋષિ મૃકુંદ તમે પતિ-પત્ની શિવ શક્તિના પરમ ભક્ત છો. ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રેમ કરતાંય વધુ સમર્પણથી પ્રસન્ન થાય છે. વિધાતાને દોષ આપી કંઈ લાભ નહીં થાય. 

ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત થાઓ તમારી બધી મનોકામના પૂર્ણ થશે. બ્રહ્માજીનો સંદેશ મોકલવાનો ગર્ભિત ઈશારો એ હોવો જોઈએ કે હવે આપણે સમય વ્યતિત ન કરતાં શિવઆરાધના કરવી જોઈએ અને આવનારા પુત્રને પ્રેમથી સહર્ષ સ્વીકારી તેનો ઉછેર કરવો જોઈએ. માતા પાર્વતીએ તમને આશિર્વાદ આપ્યાં હતાં કે સમાજ અને જગતનું કલ્યાણ કરનાર પુત્ર પ્રાપ્ત થશે. તો તેમના આશિર્વાદ ક્યારેય મિથ્યા નહીં થાય. 

શિવ ભક્તિ જ આપણા પુત્રને અલ્પઆયુથી દિર્ઘાયુષ્ય તરફ લઈ જશે.’ ઋષિ મૃકુંદની વાત યોગ્ય લાગતાં બંને પતિપત્ની શિવઆરાધનામાં વ્યસ્ત થઈ ગયા અને યોગ્ય સમય થતાં જ સુતપાએ પુત્રને જન્મ આપ્યો. ઋષિ મૃકુંદના આશ્રમમાં આનંદ વ્યાપી ગયો. તેમણે એ બાળકનું નામ માર્કંડેય રાખ્યું. સમય વ્યતીત થવા માંડયો. બાળક ધીમે ધીમે મોટો થવા માંડયો. ભયભીય ઋષિ મૃકુંદ અને સુતપા પુત્રના લાલન-પાલન અને શિવભક્તિમાં તરબોળ થઈ ગયાં.
---
સમય વિતતો જતો હતો, માર્કંડેયના જન્મને આજે પાંચ વર્ષ છ મહિના પૂર્ણ થવાના છે. માર્કંડેય નિદ્રામાં છે એવું સમજી રડતાં રડતાં સુતપા કહે છે: ‘સ્વામી આજે માર્કંડેય પાંચ વર્ષ છ મહિનાનો થઈ ગયો છે આજે એના આયુષ્યનો છેલ્લો દિવસ છે, હું મારું આયુષ્ય એને આપી દેવા તૈયાર છું. હું શું કરું...’

ઋષિ મૃકુંદ: ‘સુતપા શાંત થાઓ, ભગવાન શિવ અને માતા પાર્વતીના આશિર્વાદ આપણી સાથે છે. મને ખાતરી છે કે માર્કંડેયને કંઈ નહીં થાય.’

ઋષિ મૃકુંદના સાંત્વનથી સુતપા નિદ્રાધીન થઈ જાય છે અને ત્યારબાદ ઋષિ મૃકુંદ પણ પોઢી જતાં માર્કંડેય ઉઠે છે અને સરોવર કિનારે જઈ શિવલિંગ પાસે આવી ‘ૐ નમ: શિવાય:’ પંચાક્ષરી જાપની શરૂઆત કરે છે. એ સમયે આકાશ માર્ગથી જઈ રહેલા દેવર્ષિ નારદ તેને જુએ છે.

દેવર્ષિ નારદ: ‘બાળ માર્કંડેય આટલી રાત્રે જાપ કરી રહ્યા છો.’

માર્કંડેય પોતાની આરાધના ચાલુ રાખતાં કોઈ જવાબ આપતાં નથી.

દેવર્ષિ નારદ: ‘પુત્ર શું તમને તમારી અલ્પઆયુ વિશે ખબર છે? અને આટલી રાત્રે કુટિરની બહાર બેસવું જંગલી જાનવરથી  તમને ડર નથી લાગતો?’

માર્કંડેય: ‘હે મહાન મુની જેવા લાગતા આપશ્રી તમે કોણ છો એ મને ખબર નથી, પણ તમને એટલી તો ખબર જ હશે કે, જે ભગવાન શિવની શરણે હશે તેને જંગલી જાનવર તો દૂર, કાળ (મૃત્યુ)નો પણ ડર હોતો નથી.’

દેવર્ષિ નારદ: ‘હે ભોળેનાથ! તમારી લીલા અપરંપાર છે, હું ઇચ્છું છું કે આજનો સૂર્યોદય અલ્પઆયુ માકર્ર્ંડેયના જીવનમાં નવો અધ્યાય લખનારો આવે.’

આટલું કહી દેવર્ષિ નારદ ત્યાંથી વિદાય લે છે.
*
પરોઢ થતાં પહેલાં જ યમદેવ તેમના યમદૂતોને માર્કંડેયના પ્રાણ હરવાનો આદેશ આપે છે.

યમદૂતો માર્કંડેયને શોધતાં શોધતાં ઋષિ મૃકુંદની કુટિર પાસે પહોંચે છે, તેઓ જુએ છે કે માર્કંડેય શિવ આરાધનામાં લીન છે.

યમદૂત: (બીજા યમદૂતને) ‘મિત્ર આ બાળક તો ભગવાન શિવની આરાધના કરી રહ્યો છે, આરાધના દરમિયાન યમપાશનો ઉપયોગ કરી શકાય?’

બીજો યમદૂત: ‘માર્કંડેયની આયુ સમાપ્ત થઈ ગઈ છે, યમરાજનો આદેશ છે તેના પ્રાણ હરવાનો. હવે શિવ આરાધના આપણા કર્તવ્યને નહીં રોકી શકે. આપણે યમદેવની આજ્ઞાનું પાલન અવશ્ય કરવું જોઈએ.’

એક યમદૂત માર્કંડેય પર યમપાશ ફેંકતાં જ શિવલિંગમાંથી એક અગ્નિની તરંગ નીકળી અને એ યમદૂતને મૂર્છિત કરી દીધો. એ જોઈ બીજા યમદૂતે પણ યમપાશ માર્કંડેય પર ફેંકયો. યમપાશ માર્કંડેય તરફ આવતા ફરી શિવલિંમાંથી એક અગ્નિતરંગ નીકળી અને બીજા મયદૂતને જોજન દૂર ફેંકી દીધો. ફંગોળાયેલો યમદૂત યમલોક પહોંચે છે.

યમરાજ: ‘દૂત! મેં તમને માર્કંડેયના પ્રાણ હરવા મોકલ્યા હતા, માર્કંડેયનો પ્રાણ ક્યાં છે? અને તમે એકલા કેમ આવ્યા છો? બીજો દૂત ક્યાં છે?’

યમદૂત: ‘યમરાજ હું અને મારો સહકારી દૂત અમે બંને માર્કંડેયના પ્રાણ હરવા ગયા હતા, માર્કંડેય ભગવાન શિવની આરાધનામાં લીન હતો અમે બંનેએ યમપાશ ફેંકયા, પણ.... શિવલિંગમાંથી નીકળતાં તરંગોએ મારા સહકારી દૂતને મૂર્છિત કરી દીધો અને મને જોજન દૂર ફેંકી દીધો.’

યમરાજ: ‘તો એમ છે, હું જોઉં છું કે માર્કંડેયના પ્રાણ હરતા મને કોણ અટકાવે છે, ચાલો દૂત.’

યમરાજ અને તેના દૂત સૌ સાથે મળી મૃકુંદ ઋષિના આશ્રમ પહોંચ્યા, માર્કંડેય ફરી શિવ આરાધનામાં લીન હતો. ક્રોધિત યમરાજના ભયાનક રૂપને જોઈ બાળક માર્કંડેય ગભરાય જાય છે અને શિવલિંગને વળગી જાય છે અને ‘ૐ નમ: શિવાય:’ જાપ ચાલુ રાખે છે. ક્રોધિત યમરાજ પોતાની ગદાનો પ્રહાર કરવા જતાં જ ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાં પ્રગટ થાય છે અને યમરાજ સહિત તેમની ગદાને બંદી બનાવે છે.

ભગવાન શિવ: ‘શિવ આરાધના કરતા બાળક પર પ્રહાર કરવાનું સાહન તમે કંઈ રીતે કરી શકો યમરાજ?’

યમરાજ: ‘પ્રભુ હું તો મૃત્યુના અટલ નિયમોનું પાલન કરનારો છું, ચિત્રગુપ્તના લેખનમાં માર્કંડેયની આયુ આજની રાત જેટલી જ દાખવી છે.’

ભગવાન શિવ: ‘તમે નિયતીના સંચાલન માટે નિયુક્ત છો, તમે કાલ છો તો હું મહાકાલ છું. શરણાગતની રક્ષા કરવી મારું કર્તવ્ય છે. મારી ભક્તિની ચરમસીમા પર પહોંચેલા બાળકને કઈ રીતે મારી શકાય? જે જીવાત્મા પોતાનું જીવન મારા માટે સમર્પિત કરે છે એ મને પ્રિય છે. નિયતીના લેખનમાં માર્કંડેય દ્વારા મારી ભક્તિ બાદ અમરતાનું વરદાન પણ લખવામાં આવ્યું છે, ચિત્રગુપ્તના લેખનમાં ત્રુટી રહી ગઈ છે, તમે પરમજ્ઞાની છો તમને એટલું તો જ્ઞાત હોવું જ જોઈએ કે તમારા પાશ તૂટવા પાછળ કોઈ કારણ હોવું જોઈએ.’

યમરાજ: ‘પ્રભુ! આ દાસ પર કૃપા કરો અને કહો મારે શું કરવાનું છે?’

ભગવાન શિવ: ‘માર્કંડેયની અલ્પઆયુનો શ્રાપ સમાપ્ત થઈ ગયો છે,  માર્કંડેય હવે અમરતાનું વરદાન મેળવી સંસારના કલ્યાણ માટે કાર્ય કરશે. તમે યમલોક જઈ તમારા કાર્યને પાછું સંભાળી લો.’

માતા પાર્વતી: ‘માર્કંડેય તમે ફક્ત શિવ કૃપાના જ પાત્ર નથી, તમે મારા પુત્ર કાર્તિકેય અને ગણેશની જેમ દેવ છો. હું તમને મારા પુત્રોની જે સ્નેહ અને સિદ્ધિઓ પ્રદાન કરીશ. 
(ક્રમશ)