Sun Sep 06 2026

Logo

શહેરના ખુલ્લાં મેદાનોના આરક્ષણમાં ફેરફાર કરવા સામે યુબીટીની આંદોલનની ચીમકી

2026-08-11 08:49:00
Author: Sapna Desai
શહેરના ખુલ્લાં મેદાનોના આરક્ષણમાં ફેરફાર કરવા સામે યુબીટીની આંદોલનની ચીમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની ખુલ્લી જગ્યા, રમતગમતના મેદાન સહિત પાલિકાની માલિકીના મેદાનોના રિઝર્વેશન બદલવાના પ્રસ્તાવનો વિરોધ કરવા વિધાનસભ્ય આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળ શિવસેના (યુબીટી)ના એક પ્રતિનિધિમંડળે સોમવારે પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેની મુલાકાત લીધી હતી.

આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે શહેરની ખુલ્લી જગ્યાઓના રિઝર્વેશન  બદલવાના કોઈપણ પગલાં સામે પક્ષ આંદોલન શરૂ કરશે અને પાલિકા તરફ કૂચ કરશે. પક્ષે બાંદ્રા રિક્લેમેશન ખાતે નેવિલ ડિસોઝા ફૂટબોલ ગ્રાઉન્ડનું એક્ઝિબિશન સેન્ટર આરક્ષણ કરવાના પ્રસ્તાવિત ફેરફારનો વિરોધ કર્યો હતો.

તેમણે પીપીપી મોડલ હેઠળ પાલિકાના અંધેરી (પશ્ર્ચિમ)માં ૧૨ એકરના છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ૧૦ વર્ષ માટે ખાનગી ટ્રસ્ટને સોંપવા તેમજ જુહુ અને ડીએન નગરમાં મ્હાડાની માલિકીના બે ખુલ્લા પ્લોટની ત્રણ વર્ષ માટે સંસ્થાને સૂચિત ફાળવણી સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.

આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત આંદોલન મુંબઈની ખુલ્લી જગ્યાઓનું રક્ષણ કરવા, બેસ્ટને બચાવવા અને શહેરની શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.