Thu Jan 29 2026

Logo

White Logo

શરદ જોશી સ્પીકિંગઃ ઐસા દેશ હૈ મેરા...હો!

1 day ago
Author: Mumbai Samachar Team
Video

સંજય છેલ

આપણે ત્યાં સરકારી અધિકારીઓ કાં તો કામ કર્યા વિના ખુરશી પર બેઠા રહે અથવા તો સૂઈ જાય, એનાથી સરકારી તંત્રની કાર્યક્ષમતામાં કોઈ મોટી ઉથલપાથલ થતી નથી. મોટાભાગના અધિકારીઓ તો...એય ને પોતાની ખુરશી પર બેઠા-બેઠા જ સરસ ઊંઘ ખેંચી લે છે એટલે જ તો, એમને આ ઊંઘવાના રોજિંદા કામ માટે આરામદાયક ખુરશીઓ આપવામાં આવે છે! સરકારી કચેરીઓના પટાવાળાઓ આ બાબતમાં અધિકારીઓ કરતાં પણ વધારે હોશિયાર હોય છે. એ લોકો તો સ્ટૂલ પર પણ બેઠા-બેઠાયે ઊંઘ ખેંચી કાઢે છે...

અધિકારી બે રીતે ઊંઘે છે. એક તો સામાન્ય ઊંઘ હોય છે, જેમાં આંખો બંધ રહે છે અને મગજ પણ...બીજી ઊંઘમાં આંખો ખુલ્લી રહે છે, ખાલી મગજ જ ઊંઘતું હોય છે. આ એક સિદ્ધિ છે, સાધના છે, જે અનુભવથી પ્રાપ્ત થાય છે. અધિકારી અને ‘નીંદરમાં ચાલતા સ્લીપ-વોકર’માં સૌથી મોટો તફાવત એ છે કે, ‘સ્લીપ-વોકર’ કમ સે કમ ‘વોક’ તો કરે છે! ઊંઘમાં તો ઊંઘમાં પણ એ ચાલે તો છે!

સરકારી તંત્ર ઊંઘે છે ત્યારે બધી ફાઈલ્સ તકિયાનું કામ કરે છે. સાધારણ માણસ પોતાના દુ:ખ-દર્દ ભુલાવીને ઊંઘે છે અને સરકારી અધિકારી આખા દેશ કે આખી દુનિયાના દુ:ખ-દર્દ ભુલાવી ને ઊંઘે છે! સામાન્ય માણસને રાત્રે સૂતી વખતે એ ખબર હોય છે કે એણે સવારે ઉઠવાનું છે અને એ પણ સમયસર ઉઠવાનું છે, કાલે ઊઠીને કામ પણ કરવાનું છે. અધિકારી ઊંઘતી વખતે જાણે છે કે એણે ઊઠવાની કોઈ જરૂર નથી. સામાન્ય પથારીમાં ઊંઘવુ એ ફક્ત ઊંઘવાનું જ હોય છે, પરંતુ સરકારી ઊંઘમાં એક અલગ જ નશો હોય છે. એ છે, સરકારી અધિકારી હોવાના અહંકારનો નશો!

જ્યારે અધિકારીને ઊંઘ આવે છે, સરકારી ફાઈલો ‘વિચારણા હેઠળ’ રહે છે. દેશમાં ક્યાંક આગ લાગી હોય તો પણ અને એને બુઝાવવાનો પ્રશ્ન હંમેશાં ‘વિચારણા હેઠળ’ જ રહે છે! બીમારીથી લોકો મરી રહ્યા છે અને ડોક્ટરોને બોલાવવાનો પ્રશ્ન ‘વિચારણા હેઠળ’ છે!

આ ‘વિચારણા હેઠળ’- શબ્દ પ્રયોગ ખૂબ જ રસપ્રદ છે. એ ‘ના’ નો સરકારી પર્યાયવાચક શબ્દ છે. ઊંઘતું સરકારી તંત્ર એ નીંભરતા કે અસમર્થતાની ગંભીર સાબિતી છે. કોઇ વાત ‘વિચારણા હેઠળ’ હોય તો એની કોઇ ટાઇમ લિમિટ નક્કી નથી હોતી. ‘વિચારણા હેઠળ’માં સમસ્યા વિચારોને આધીન થઈ જાય છે ત્યારે પ્રોબ્લેમ્સ વિચારોની નોકર કે ગુલામ બની જાય છે. 

સમસ્યા પર વિચારો રાજ કરે છે, વિચારો સમસ્યાને કચડી નાખે છે, એને ઊભી થવા જ નથી દેતા! જો સમસ્યા માથું ઊંચકે છે, તો વિચારો એને ફરી દબાવી નાખે છે. ફાઈલના જાડાં પૂઠાં પર દોરીઓ અને લાલ રિબનના નાગપાશમાં બંધાયેલા કાગળોનો ફફડાટ થયે રાખે છે. કાગળોની આ કેદ, ‘વિચારણા હેઠળ’ની સ્થિતિ જ છે. જોકે વિચાર એક નિયંત્રણ કે એના પરનો અંકુશ છે, જેની નીચે વાસ્તવિકતાનો હાથી ભયભીત રીતે દબાયેલો રહે છે. 

ઊંઘતું સરકારી તંત્ર વર્તમાનને ભવિષ્યમાં અને ભવિષ્યને ઔર વધુ ભવિષ્યમાં ફેંકીને ઊંઘે રાખે છે અને પ્રજાને હંમેશાં મુજબ એમ જ કહેવામાં આવે છે કે: ‘એમના પ્રશ્નો સરકારની વિચારણા હેઠળ છે!’

આ દેશનું સૌભાગ્ય જ છે કે ભગીરથજીએ ગંગાને ધરતી પર લાવવાની કલ્પના ‘વિચારણા હેઠળ’ નહોતી રાખી! જો સરકારી કામગીરીની જેમ એ જમાનામાં આ કામ ખીંટીં પર લટકાવી દેવામાં આવ્યું હોત તો ગંગા નદી ધરતી પર આવી જ ન હોત, ઉત્તર પ્રદેશ આટલું ગીચ વસ્યું ન હોત અને ગંગાના પાણીનો પવિત્ર ઘૂંટ પીને ગંદી ‘રાજનીતિ’ કરવાવાળા હોત જ નહીં. અધિકારીઓ અને નેતાઓ આજે આરામની ઊંઘ લે છે, કારણકે એ લોકો જાણે છે કે ગંગા તો વહી રહી છે અને લોકો પોતાના ઘરે નિરાંતે ધરમ-ધ્યાનનાં ગ્રંથો વાંચી રહ્યા છે. દેશ ચાલે રાખે છે આ દેશના ભવિષ્ય માટે બાકી શું રહે છે?

બાકી, આ દેશમાં નવા વિચારો રાજકુમારના ઠાઠથી જન્મ લે છે અને કેન્સરના દર્દીની જેમ તડપી-તડપીને મૃત્યુ પામે છે. આખા દેશમાં દરખાસ્તો સિસકારા લેતા લેતા, ઘસડાતી રહે છે. વિચારોનું અથાણું બની જાય છે, દરખાસ્તો પર ફૂગ લાગી જાય છે. થોડાક દિવસો પહેલા કમ સે કમ એ સુખ તો હતું કે આખો દેશ કોઇ વરણાગી મેળા જેવો લાગતો હતો અને નેતાઓ જાદુગરો જેવા લાગતા હતા, પરંતુ હવે તો એ પણ નથી થતું. નેતા બોલે છે કે નથી બોલતા, કશો જ ફરક નથી પડતો! અધિકારી જાગે છે કે ઊંઘે છે, કોઈ જ ફરક નથી પડતો! નિર્ણય લેવામાં આવે છે કે નથી લેવામાં આવતો, કોઈ જ ફરક નથી પડતો! કેવી પરમ સિદ્ધિ મળી ગઈ છે આ દેશ ને?

છાપાના મુખ્ય સમાચાર એક નાના કાળા નાગની જેમ રહી રહીને ફુંફાડો મારે રાખે છે, પરંતુ ધીમે-ધીમે છાપાનું બધુ તેજાબી લખાણ સાર વગરનું, સનસનાટી વગરનું થઈ જાય છે.

વિરોધનું સરઘસ દેશની સડકો પરથી થઈને જાય છે અને બારીઓ બંધ રહે છે. કોઈ સરકાર પડે, તો પણ કોઈ અસર નથી થતી. મોટા તકિયા, નરમ ગાદીઓ, આરામદાયક ખુરશીઓ, પંખાઓ, એરકૂલર અને મલમલના પડદાઓની વચ્ચે આપણે કેવી સિદ્ધિ મેળવી રહ્યા છીએને?
સાચે જ આપણો દેશ કેટલો મહાન છે!
ચાલો સૌ મળીને ગાઇએ: ઐસા દેશ હૈ મેરા હો!