Sun Aug 16 2026

Logo

થાણેમાં કન્સ્ટ્રકશન સાઇટ પર સિક્યુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો

2026-08-09 20:06:46
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણેમાં કન્સ્ટ્રકશન સાઇટ પર બેઝમેન્ટ એરિયામાં રવિવારે 60 વર્ષનો સિક્યુરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના હાથની એક આંગળી તૂટેલી હતી અને તેના શરીર પર ઇજાના નિશાન મળી આવતાં તેની હત્યા કરાઇ હોવાની શંકા વ્યક્ત કરાઇ છે.મૃતકની ઓળખ અશોક સાળુંખે તરીકે થઇ હતી, જે સ્ટેશન એરિયા ટ્રાફિક ઇમ્પ્રૂવમેન્ટ સ્કીમ (એસએટીઆઇએસ-2) પ્રોજેક્ટ સાઇટ પર કોન્ટ્રેક્ટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. 

સાળુંખે શનિવારે સવારે આઠ વાગ્યે કામ પર આવ્યો હતો અને રાતે આઠ વાગ્યા સુધી ત્યાં હતો. જોકે ડ્યૂટી પત્યા બાદ તે કોપરી વિસ્તારમાં પોતાના ઘરે પહોંચ્યો નહોતો. પરિવારજનોએ આખી રાત શોધ ચલાવ્યા છતાં તેનો કોઇ પત્તો લાગ્યો નહોતો. જોકે રવિવારે સવારે ક્ધસ્ટ્રક્શન સાઇટ પર બેઝમેન્ટ એરિયામાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પગલે કોપરી પોલીસને તેની જાણ કરાઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દરમિયાન પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સાળુંખેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ તેના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)