થાણે: વીડિયો કૉલ દરમિયાન વાંધાજનક સ્ક્રીનશૉટ્સ લીધા પછી તેની મદદથી 16 વર્ષની સગીરાને કથિત બ્લૅકમેઈલ કરવામાં આવી હોવાની ઘટના થાણે જિલ્લામાં બની હતી. સગીરાએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દેતાં સ્ક્રીનશૉટ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેનારા આરોપી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
શિળ ડાયઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સગીરાની ફરિયાદને આધારે આરોપી જલાલુદ્દીન ખાન (23) સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. બે વર્ષ અગાઉ ફોન પર જ આરોપી સગીરાના સંપર્કમાં આવ્યો હતો. શરૂઆતમાં વાતચીતમાં ભોળવી તેણે સગીરા સાથે મિત્રતા કરી હતી. પછી આરોપી અણછાજતી માગણી કરવા લાગ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર આરોપી સગીરાને શરીરસંબંધ માટે દબાણ કરતો હતો. દરમિયાન આઠથી દસ દિવસ અગાઉ આરોપીએ સગીરાને વૉટ્સઍપ પર વીડિયો કૉલ કર્યો હતો. કૉલ ચાલુ હતો ત્યારે તેણે સગીરાને નિર્વસ્ત્ર થવા મજબૂર કરી હતી. એ સમયે તેણે સગીરાની જાણબહાર મોબાઈલમાં સ્ક્રીનશૉટ્સ લીધા હતા.
આરોપીએ સગીરા સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સગીરાએ ના પાડતાં બીજી સપ્ટેમ્બરે ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગીરાના વાંધાજનક સ્ક્રીનશૉટ્સ પોસ્ટ કર્યા હતા. ખાન વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)