Tue Oct 06 2026

Logo

કાજલની હત્યાના આરોપીને પોલીસે જાહેરમાં મેથીપાક આપ્યો, માત્ર 10 મિનિટમાં 107 દંડા ફટકાર્યા

2026-09-05 20:19:18
Author: Vimal Prajapati
કાજલની હત્યાના આરોપીને પોલીસે જાહેરમાં મેથીપાક આપ્યો, માત્ર 10 મિનિટમાં 107 દંડા ફટકાર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાવનગરઃ  ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પર ગત 3 સપ્ટેમ્બરે લિવ-ઈન પાર્ટનર કાજલની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાના આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે નીલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી. ઉનડકટ આરોપીને ઘટનાસ્થળે લઈ ગયા હતા. જ્યાં આરોપી ફૈઝલને દોરડાથી બાંધીને 10 મિનિટમાં 107 દંડા ફટકારવામાં આવ્યા હતા. આવી કાર્યવાહીના કારણે એકબાજુ વખાણ થયાં તો સામે સવાલ પણ ઊભા થયાં હતાં. 

પોલીસે હાથમાં કાયદો લેતાં વિવાદ શરૂ થયો

ચર્ચાની વાત એ છે કે, ભાવનગરના કુંભારવાડાની 40 વર્ષીય કાજલબેનની નિર્મમ હત્યાના આ બનાવમાં આરોપી સામે કાનૂની કાર્યવાહી કરવાને બદલે પોલીસે હાથમાં કાયદો લેતાં મોટો વિવાદ ઊભો થયો છે. પોલીસ અધિકારી દ્વારા આ રીતે જાહેરમાં આરોપીને ઢોર માર મારવાની ઘટનાએ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ તેમજ રાજ્યના પૂર્વ ઈન્ચાર્જ ડીજીપીના સ્પષ્ટ આદેશો સામે સવાલો ખડા કર્યા છે. 

સુપ્રીમ કોર્ટ અને ડીજીપીના આદેશોનું ઉલ્લંઘન

અત્રે ઉલ્લેખનીય છે કે, મે 2026માં પૂર્વ ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે સ્પષ્ટ લેખિત આદેશ આપ્યો હતો કે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવું કે તેની સાથે અપમાનજનક વર્તન કરવું ગેરકાયદેસર છે અને આવું કરનાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થશે. આ ઉપરાંત એપ્રિલ 2025માં પણ સુપ્રીમ કોર્ટે દેશના તમામ ડીજીપીને સ્પષ્ટ કર્યું હતું કે પોલીસને સજા આપવાનો કે જાહેરમાં હુમલો કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી.