Sat Sep 05 2026

Logo

પોલિસી ખરીદતા પહેલા દારૂની આદત વિશે જાણકારી આપી હોય તો વીમા કંપની ક્લેમ નકારી શકે નહીં: ગ્રાહક આયોગ

2026-09-04 20:41:16
Author: Mumbai Samachar Team
પોલિસી ખરીદતા પહેલા દારૂની આદત વિશે જાણકારી આપી હોય તો વીમા કંપની ક્લેમ નકારી શકે નહીં: ગ્રાહક આયોગ

મુંબઈઃ નાગપુર ગ્રાહક આયોગે જીવન વીમા કંપનીને અરજદારને ૫૦ લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આયોગે ચુકાદો આપતા જણાવ્યું હતું કે, મૃતક વ્યક્તિએ પોલિસી ખરીદતા પહેલા જ દારૂના સેવનની પોતાની આદત વિશે જાણ કરી હોવા છતાં તેમનો દાવો (ક્લેમ) નકારવો એ સેવાકીય ખામી ગણાય.

સુપ્રીમ કોર્ટના આદેશો, જેમાં હાઇપરટેન્શન અને ડાયાબિટીસ મેલીટસને જીવનશૈલી તરીકેના રોગો ગણાવવામાં આવ્યા હતા, ફોરમે નોંધ્યું હતું કે દાવો ફક્ત એટલા માટે નકારી ન શકાય,કે વ્યક્તિએ પોલિસી લેતા પહેલાથી અસ્તિત્વમાં રહેલા રોગોનો ઉલ્લેખ કર્યો નહોતો.

જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે (નાગપુર) ગયા મહિને પસાર કરેલા એક આદેશમાં, ફરિયાદીના પતિના કાયદેસર રીતે ચૂકવવાપાત્ર વીમા દાવાને નકારી કાઢવા બદલ 'એડલવાઈસ ટોકિયો લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ'ને સેવામાં ખામી બદલ દોષિત ઠેરવી હતી.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમના પતિએ એપ્રિલ ૨૦૨૧માં વીમા કંપનીની પોલિસી ખરીદી હતી. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ તેમના આકસ્મિક અવસાન બાદ, વિધવાએ વીમાનો દાવો રજૂ કર્યો હતો.

વીમા કંપનીએ દાવો નકારી કાઢ્યો અને, પોલિસી રદ કરી અને સપ્ટેમ્બર ૨૦૨૩માં ૧૮,૭૧૩ રૂપિયાનો પ્રીમિયમ રિફંડ ચેક મોકલ્યો હતો. ત્યારબાદ તે મહિલાએ દાવો તેમજ માનસિક સતામણી બદલ વળતર મેળવવા માટે જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગનો સંપર્ક કર્યો હતો.

આયોગે કંપનીને તે મહિલાને ૫૦ લાખ રૂપિયાની દાવાની રકમ અને ૩૦ સપ્ટેમ્બર,૨૦૨૩ થી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. સાથે શારીરિક અને માનસિક હેરાનગતિ બદલ વળતર પેટે ૧૦,૦૦૦ રૂપિયા અને કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે વધારાના ૧૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.