Mon May 04 2026

Logo

કચ્છના દરિયાકાંઠે સુરક્ષા એજન્સીઓનું હાઈ-એલર્ટ: વધુ ૭ પેકેટ ડ્રગ્સ સાથે શંકાસ્પદ ‘ડ્રોન’નો ભાગ મળતા ખળભળાટ

2026-05-04 14:59:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છની સંવેદનશીલ દરિયાઈ સરહદ પરથી નશીલા પદાર્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. માંડવીના કોસ્ટલ વિસ્તારમાંથી વધુ ૭ બિનવારસી પેકેટ મળી આવતા છેલ્લા ત્રણ દિવસમાં જપ્ત કરાયેલા ડ્રગ્સ અને ચરસના પેકેટોની કુલ સંખ્યા ૩૭ પર પહોંચી છે. બીજી તરફ, સિંધોડી દરિયાઈ પટ્ટી પરથી એક શંકાસ્પદ ડ્રોનનો અવશેષ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, માંડવીના દરિયાકાંઠા વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળોને ડ્રગ્સના વધુ ૭ પેકેટ હાથ લાગ્યા હતા, જયારે અબડાસાના સિંધોડી દરિયાઈ વિસ્તારમાંથી એક મોટા કદના શંકાસ્પદ ડ્રોનનો ભાગ મળી આવ્યો. ડ્રગ્સના જથ્થાની સાથે ડ્રોનના અવશેષો મળવાની આ ઘટનાએ કચ્છની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ શંકાસ્પદ ડ્રોનને લઈને હાલમાં વિવિધ તર્ક-વિતર્ક શરૂ થયા છે. ચર્ચા એવી પણ છે કે, શું આ કાટમાળ હાલના ઇરાન-ઇઝરાયલ-અમેરિકા યુદ્ધમાં વપરાયેલા અને સમુદ્રમાં ગરક થયેલા કોઈ ડ્રોનનો છે? અથવા તો દરિયામાં ચાલતી સૈન્ય કવાયત દરમિયાન ધ્વસ્ત થયેલા કોઈ ડ્રોનનો આ ભાગ છે? જો કે, આ કાટમાળ અંગે એરફોર્સની ટીમ ઝીણવટભરી તપાસ કરશે, ત્યારબાદ જ તેની ચોક્કસ ઓળખ અને વિગતો જાણી શકાશે.

સમગ્ર કોસ્ટલ બેલ્ટ પર હાલમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ કે પેકેટ દરિયાકિનારે તણાઈ ન આવે તે માટે રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દરિયાના પેટાળમાં કંઇ જ રહેતું નથી. સમુદ્રી તળમાં ગરક થયેલી નાની-મોટી દરેક વસ્તુઓ દરિયાઇ મોજાંમાં તણાઇને કિનારે આવી પહોંચે છે, ત્યારે ગઇકાલે સિંધોડી પાસેના કિનારેથી મળેલા ડ્રોનના પાંખિયાના કાટમાળ અંગે તર્ક-વિતર્ક શરૂ થયા છે.


(ઉત્સવ વૈદ્ય)