(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી હતી. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં સૌથી વધુ 6.46 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં 158 6.22 ઈંચ, મોરબી તાલુકામાં 3.78 ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં પણ 3.66 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં જામકંડોરણા તાલુકામાં 2.48 ઈંચ, જેતપુર તાલુકામાં 1.14 ઈંચ નોંધાયો હતો. અમરેલી તાલુકામાં 2.99 ઈંચ, કુકાવાવ વડિયામાં 2.8 ઈંચ અને બગસરામાં 2.56 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં 2.28 ઈંચ અને દસાડામાં 1.81 ઈંચ) વરસાદ નોંધાયો હતો.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જળાશયો ભરપૂર થયા હતા. લાલપરી ડેમ હાલ 80 ટકા ભરાયો હતો અને તેમાં 183 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ હોવાથી ઓવરફ્લોની શક્યતાને પગલે નવાગામ, બેડી અને નદીકાંઠાના વિસ્તારોના નાગરિકોને સાવચેત રહેવા તથા જરૂર જણાય તો સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ હતી. સુરવો ડેમ પણ 90 ટકા ભરાઈ ચૂક્યો હતો અને તેમાં 1,544 ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતાં ગમે ત્યારે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા સર્જાતા જેતપુર તાલુકાના થાણાગાલોળ, ખીરસરા અને ખજુરી ગુંદાળા ગામોના લોકોને પણ સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા વિનંતી કરવામાં આવી હતી.
જામનગર: કાલાવડના બામણગામમાં નદીમાં આવ્યું ઘોડાપૂર, તણાઈ જતી કારને દોરડા વડે થાંભલા સાથે બાંધી!
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 24, 2026
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે બામણગામની નદીમાં ભયાનક ઘોડાપૂર આવ્યું છે. પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં એક કાર નદીના ધસમસતા વહેણમાં ફસાઈ ગઈ હતી. સ્થાનિક… pic.twitter.com/xqNkbO6TCA
ધોરાજી નજીક આવેલો ભાદર-2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં તંત્ર દ્વારા તેના 5 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા, જેના પગલે નદીના પટમાં અવરજવર ન કરવા એલર્ટ જાહેર કરાયું હતું. ડેમ હેઠવાસમાં આવતાં ધોરાજીના ભોળા, ભલ ગામડા, છાડવાવદર, સુપેડી તથા ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચિખલિયા, સમઢિયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, ગણોદ સહિતના અનેક ગામોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બિલડી, ચૌટા, છત્રાવા, કટવાણા, માંડવા, પસવારી, રોઘડા સહિતના ગામોના લોકોને પણ સાવચેત રહી સલામત સ્થળે ખસી જવા જણાવાયું હતું.