Mon Aug 31 2026

Logo

સચિન આહીરને 'રાયગઢ' બંગલો આપવાનો ઇનકાર, ફ્લેટ ફાળવાતા વિવાદ

2026-07-16 19:35:54
Author: Mumbai Samachar Team
સચિન આહીરને 'રાયગઢ' બંગલો આપવાનો ઇનકાર, ફ્લેટ ફાળવાતા વિવાદ

મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી) છોડીને એકનાથ શિંદે શિવસેનામાં જોડાયેલા વિધાન પરિષદના ધારાસભ્ય સચિન આહીરને વિધાન પરિષદના અધ્યક્ષ બનાવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જે ઉદ્ધવ ઠાકરે જૂથ માટે મોટો ઝટકો છે. સચિન આહીરે વરલીમાં સભા યોજીને પોતાનો પદભાર સંભાળી લીધો છે, પરંતુ હાલમાં તેમને સરકારી બંગલાને બદલે ફ્લેટ મંજૂર કરાતાં તેમણે તેનો અસ્વીકાર કર્યો હોવાની રાજકીય ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.

સચિન આહીરે ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડ્યા બાદ આદિત્ય ઠાકરેએ તેમના પર ટીકા કરી હતી. "અમે તેમને બધું જ આપ્યું, હવે બીજું શું આપવાનું બાકી હતું?" એવું પણ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું. હવે, સચિન આહીર પોતાના સરકારી નિવાસસ્થાનને કારણે ચર્ચામાં છે. કારણ કે, તેમને મંજૂર થયેલો સરકારી બંગલો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ઉપસભાપતિ માટે 'રાયગઢ' બંગલો મંજૂર કરવામાં આવ્યો હતો. જોકે, હવે તે બંગલાને બદલે તેમને ફ્લેટમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. 

'રાયગઢ' બંગલામાં હાલમાં પૂર્વ પ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણ રહે છે. મહાયુતિ સરકારમાં જ્યારે તેઓ જાહેર બાંધકામ પ્રધાન હતા, ત્યારે 'રાયગઢ' બંગલો તેમને ફાળવવામાં આવ્યો હતો. જોકે, દેવેન્દ્ર ફડણવીસ સરકારની ૨૦૨૪ની કેબિનેટમાં તેઓ પ્રધાન નથી. તેમ છતાં, 'રાયગઢ' બંગલો છેલ્લા દોઢ વર્ષથી તેમની પાસે જ છે. હવે, ઉપસભાપતિને ફાળવવામાં આવનારો આ બંગલો આપવાની ના પાડી દેવામાં આવી છે.

સચિન આહીર ઉપસભાપતિ બન્યા બાદ શરૂઆતમાં તેમને 'પુરંદર (સી-3)' બંગલો મળવાની ચર્ચા હતી, જે પહેલાં નીલમ ગોરે પાસે હતો. જોકે, અહીરના શપથગ્રહણ પહેલાં જ આ બંગલો વિધાનસભા ઉપાધ્યક્ષ અણ્ણા બનસોડેને ફાળવી દેવાયો. 

હવે કોઈ બંગલો ખાલી નહીં હોવાથી સામાન્ય વહીવટ વિભાગે તેમને ફ્લેટ મંજૂર કર્યો છે. સચિન અહીર હજી ફ્લેટમાં શિફ્ટ થયા નથી અને આ બંગલા-ફ્લેટનો મુદ્દો તેઓ ટૂંક સમયમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સમક્ષ રજૂ કરે તેવી શક્યતા છે.