અમદાવાદ: ગુજરાતી પ્રજા માટે રાજસ્થાન ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. વેકેશન કે રજાના દિવસોમાં ગુજરાતીઓ રાજસ્થાનમાં આબુ, જોધપુર, જેસલમેર, ઉદેપુરમાં ધામા નાખતા હોય છે, પરંતુ જોધપુર તરફ જતી ટ્રેનની ફ્રિક્વન્સી ઓછી હોવાથી કન્ફર્મ ટિકિટની એક મોટી માથાકૂટ રહેતી હોય છે, જો કે હવે રાજસ્થાનમાં ફરવા જવું હશે તો કન્ફર્મ ટિકિટ મળી રહેશે. કારણ કે અમદાવાદથી રાજસ્થાન તરફની એક નવી ટ્રેનની શરૂઆત થવાની છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રાજસ્થાન તરફ એક ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સાબરમતી અને લાલગઢ વચ્ચે એક નવી ડેઇલી ટ્રેન સેવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 19407 (સાબરમતી-લાલગઢ) તારીખ 22 જૂનથી દરરોજ સાંજે 17:55 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 08:10 કલાકે લાલગઢ પહોંચશે, જ્યારે પરત ફરતી વખતે ટ્રેન નંબર 19408 (લાલગઢ-સાબરમતી) તારીખ 23 જૂનથી દરરોજ રાત્રે 21:05 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 11:30 કલાકે સાબરમતી પરત ફરશે.
#ADIUpdates
— DRM Ahmedabad (@drmadiwr) June 19, 2026
A new train is being introduced between Sabarmati and Lalgarh for the convenience of passengers.#PassengerAdvisory#AhmedabadDivision#WesternRailway pic.twitter.com/cz5LaohwLk
આ ટ્રેન મુસાફરી દરમિયાન અમદાવાદથી ઉપડીને મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરાન, ઝાલોર, મોકલસર, સમદડી, લૂણી, જોધપુર, ગોટન, મેડતા રોડ, નાગૌર, નોખા અને બીકાનેર જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવશે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે ફર્સ્ટ એસી (AC 1st Class), સેકન્ડ એસી (2A), થર્ડ એસી (3A), થર્ડ એસી ઇકોનોમી, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ સામેલ કરવામાં આવ્યા છે, જેનું બુકિંગ આજથ થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા તરફ મુસાફરી કરનારા રેલ્વેના મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન (DRM Ahmedabad) દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને નવા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (EI) કાર્યની શરૂઆત કરવામાં આવી રહી છે. આ કામગીરીને કારણે તારીખ 21 જૂન 2026 થી 8 જુલાઇ 2026 સુધી બાજવા અને વડોદરા સ્ટેશનો વચ્ચે દોડતી કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. આ બ્લોકને કારણે મુખ્યત્વે અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી (19036/19035), જામનગર-વડોદરા ઈન્ટરસિટી (22959/22960), વડોદરા-વાતવા મેમુ (MEMU) ટ્રેનો અને વડોદરા-વટવા ફાસ્ટ પેસેન્જર જેવી ટ્રેનો પ્રભાવિત થશે, જે બજવા સ્ટેશનથી જ શોર્ટ ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરા-વટવા ફાસ્ટ પેસેન્જર પ્રતાપનગર સ્ટેશનથી ઓરિજિનેટ થશે.