Sat Jun 20 2026

Logo

પાકિસ્તાનના રક્ષા મંત્રીની ભારતને ખોખલી ધમકી, ભારતે પાણી પર વલણ ન બદલ્યું તો કરીશું યુદ્ધ', PoK પર પણ બોલ્યા

Islamabad   2026-06-20 15:18:00
Author: Mumbai Samachar Team
Article Image

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ભારતના ચિનાબ પ્રોજેક્ટ્સ અને સિંધુ જળ સંધિને સસ્પેન્ડ (સ્થગિત) કરવા પર અકળાઈ ગયા છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, "અમને યુદ્ધ શરૂ કરવાની જરૂર નથી, પરંતુ જો અમને લાગશે કે ભારત પાણી રોકી રહ્યું છે અને અમુક પ્રોજેક્ટ બનાવી રહ્યું છે, તો આપણે ચોક્કસપણે યુદ્ધ કરીશું." તેમણે કહ્યું કે ભારતે 'ઓપરેશન સિંધુ' પછી પાકિસ્તાનનું પાણી બંધ કરવાની ધમકી આપી છે. ખ્વાજા આસિફે વધુમાં જણાવ્યું કે જ્યારે પણ અમને  લાગશે કે પાકિસ્તાનની પાણીની સુરક્ષા જોખમમાં છે, ત્યારે અમે  ચોક્કસપણે યુદ્ધના માર્ગે જઈશું.

પાણી જ જીવન છે અને ભારત પર નજર રાખવાનો દાવો

ખ્વાજા આસિફે પાકિસ્તાની ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, "પાણી એ જીવન છે અને માણસ પાણીમાંથી જ પેદા થયો છે. સમગ્ર બ્રહ્માંડ પાણીમાંથી બન્યું છે. પાણી જ જીવન છે." તેમણે કહ્યું કે અત્યાર સુધી ભારતે કિશનગંગા સહિત જે પણ પ્રોજેક્ટ બનાવ્યા છે, પાકિસ્તાને પોતે ત્યાં જઈને તેની દેખરેખ રાખી છે, પરંતુ હવે છેલ્લા એક વર્ષમાં ત્યાં શું થઈ રહ્યું છે તેની કોઈ માહિતી નથી. આ બધું સિંધુ જળ સંધિ હેઠળ થયું હતું.

બીજી તરફ, પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ એક અન્ય ઈન્ટરવ્યુમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK)માં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પાછળ પણ 'ઈન્ડિયા કનેક્શન' (ભારતનો હાથ) હોવાનું ગણાવ્યું હતું.

પીઓકે (PoK) માં વિરોધ પ્રદર્શન માટે ભારત પર વરસ્યા

ખ્વાજા આસિફે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) માં જે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, તે ભારતના પક્ષને મજબૂત કરી રહ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે પીઓકેના પ્રદર્શનકારીઓ, મીડિયા અને વિદેશમાં બેઠેલા તેમના સમર્થકો ભારતીય પ્રોક્સી નેટવર્કનો ભાગ છે.

દરમિયાન, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ને પત્ર લખીને ભારત દ્વારા સિંધુ જળ સંધિ (IWT) ના કથિત ઉલ્લંઘનની નોંધ લેવા વિનંતી કરી છે.

વિશ્વ બેંકની મધ્યસ્થતામાં વર્ષ 1960માં થયેલી આ સંધિ એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સ્થગિત (સસ્પેન્ડ) કરી દેવામાં આવી હતી, જેમાં 26 લોકોના મોત થયા હતા. આ સંધિ 1960થી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ અને તેની સહાયક નદીઓના પાણીની વહેંચણી અને ઉપયોગનું નિયંત્રણ કરતી આવી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહેમદે જણાવ્યું કે તેમણે ઇસ્લામાબાદની ચિંતાઓને રેખાંકિત કરવા માટે યુએનએસસી (UNSC) ના અધ્યક્ષ લિયોનોર જલાબાટા ટોરેસને ઇશાક ડારનો લખેલો પત્ર સોંપ્યો છે.