Tue Oct 06 2026

Logo

વડોદરા જતા પહેલા ખાસ વાંચી લેજો! કામગીરીને પગલે જામનગર ઈન્ટરસિટી સહિત આટલી ટ્રેનોના રૂટ બદલાશે

2026-06-20 15:49:00
Author: Devayat Khatana
વડોદરા જતા પહેલા ખાસ વાંચી લેજો! કામગીરીને પગલે જામનગર ઈન્ટરસિટી સહિત આટલી ટ્રેનોના રૂટ બદલાશે

અમદાવાદ: વડોદરા તરફ મુસાફરી કરનારા રેલ્વેના મુસાફરો માટે એક મહત્વના સમાચાર છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન (DRM Ahmedabad) દ્વારા મુસાફરોની સુવિધા અને સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે વડોદરા સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ અને નવા ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (EI) કાર્યની શરૂઆત કરવામાં આવી રહી છે. આ કામગીરીને કારણે તારીખ 21 જૂન 2026 થી 8 જુલાઇ 2026 સુધી બાજવા અને વડોદરા સ્ટેશનો વચ્ચે દોડતી કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે. રેલવે દ્વારા મુસાફરોની સગવડતા માટે આ માહિતી અગાઉથી જાહેર કરવામાં આવી છે જેથી તેઓ પોતાની મુસાફરીનું આયોજન યોગ્ય રીતે કરી શકે.
 

આ બ્લોકને કારણે મુખ્યત્વે અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી (19036/19035), જામનગર-વડોદરા ઈન્ટરસિટી (22959/22960), વડોદરા-વાતવા મેમુ (MEMU) ટ્રેનો અને વડોદરા-વટવા ફાસ્ટ પેસેન્જર જેવી ટ્રેનો પ્રભાવિત થશે, જે બજવા સ્ટેશનથી જ શોર્ટ ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે. આ ઉપરાંત, વડોદરા-વટવા ફાસ્ટ પેસેન્જર પ્રતાપનગર સ્ટેશનથી ઓરિજિનેટ થશે. 


ઉલ્લેખનીય છે કે NEET  પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓની સુવિધા અને મુસાફરોની વધારાની ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ભાડા સાથે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ખાસ ટ્રેનો મણિનગરથી બાંદ્રા ટર્મિનસ, ઓખાથી ગાંધીનગર કેપિટલ અને ભાવનગર ટર્મિનસથી ગાંધીગ્રામ વચ્ચે શરૂ કરવામાં આવી હતી. 

રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09472 મણિનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 20 જૂન, 2026ના રોજ સવારે 08:30 કલાકે ઉપડીને તે જ દિવસે સાંજે 18:15 કલાકે પહોંચશે. જ્યારે પરતીમાં ટ્રેન નંબર 09471 બાંદ્રા ટર્મિનસથી તે જ દિવસે રાત્રે 21:15 કલાકે ઉપડી રવિવારે સવારે 06:00 કલાકે મણિનગર પહોંચશે, જે આણંદ, ભરૂચ, સુરત અને બોરીવલી જેવા સ્ટેશનો પર ઊભી રહેશે.

બીજી ટ્રેન (09554) ઓખાથી શનિવારે સવારે 05:00 કલાકે ઉપડી બપોરે 15:00 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે, જે જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર થઈને દોડશે. ત્રીજી ટ્રેન (09254) ભાવનગર ટર્મિનસથી શનિવારે સવારે 11:40 કલાકે ઉપડીને સાંજે 16:10 કલાકે ગાંધીગ્રામ પહોંચશે, જે બોટાદ અને ધોળકા જેવા રૂટ પરથી પસાર થશે.આ તમામ વિશેષ ટ્રેનો માટે ટિકિટનું બુકિંગ ગઈકાલથીથી શરૂ કરી દેવામાં આવ્યું હતું.