થાણે: પ્રતિબંધિત ગુટકા પોતાની પાસે રાખવા અને વેચાણના કેસમાં થાણે સેશન્સ કોર્ટે બૅકરીના બે કર્મચારીને નિર્દોષ છોડી મૂક્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ ગુનાના મુખ્ય મુદ્દા પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે અને ફરજિયાત કાનૂની પ્રક્રિયાનું પણ પાલન કરવામાં આવ્યું નથી.
એડિશનલ સેશન્સ જજ આર. એમ. રાઠોડે શુક્રવારે આપેલા ચુકાદામાં વહાજુદ્દીન મોહમ્મદ યુનુસ અન્સારી (30) અને અબદુલ્લા ઉર્ફે મોહમ્મદ અફાન અબ્દુલ રહમાન અન્સારી (24)ને મીરા રોડ પોલીસે સપ્ટેમ્બર, 2023માં નોંધેલા એક કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા.
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે પોલીસે મીરા રોડ પરિસરમાં આવેલી એક બૅકરી પર રેઇડ કરી 30,632 રૂપિયાનો પ્રતિબંધિત ગુટકા ઉત્પાદનો જપ્ત કર્યાં હતાં. આ પ્રકરણે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ (એફએસએસએ)ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદ પક્ષ રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી લાવ્યો નથી, જે નુકસાન પહોંચાડવાના હેતુથી આરોપી દ્વારા કોઈ પણ વ્યક્તિને અપાઈ હોય. ફરિયાદ પક્ષે સ્વતંત્ર સાક્ષીદારની તપાસ કરી નથી, જેમણે ફરિયાદ કરી હતી કે આવા પ્રકારનાં ખાદ્યો કે પીણાં તેને વેચવામાં આવ્યાં હતાં અથવા ઑફર કરાયાં હતાં, એવું કોર્ટે નોંધ્યું હતું.
આઈપીસીની કલમ 188 હેઠળના આરોપ પર કોર્ટે નોંધ કરી હતી કે પોલીસ મારફત નહીં, પણ થાણેના ફૂડ સેફ્ટી ઑફિસરે અલગથી ફરિયાદ નોંધાવવી આવશ્યક હતી. કલમ 188 હેઠળની ફરિયાદની નોંધ પોલીસ લઈ શકે નહીં, એમ કોર્ટે નોંધ્યું હતું.
(પીટીઆઈ)