Thu Sep 03 2026

Logo

ગોલકીપરે બૉલને બદલે ખેલાડીના મોં પર મારી કિક, પ્લેયરનું તત્કાળ મૃત્યુ

2026-06-20 17:18:53
Author: Ajay Motiwala
ગોલકીપરે બૉલને બદલે ખેલાડીના મોં પર મારી કિક, પ્લેયરનું તત્કાળ મૃત્યુ

ઍક્રા (ઘાના): પશ્વિમ આફ્રિકાના ઘાના દેશમાં તાજેતરમાં ફૂટબૉલના મેદાન પર એક એવી ઘટના બની જે અગાઉ કદી ક્યાંય નહીં બની હોય. આખી દુનિયામાં અત્યારે ફૂટબૉલ ફીવર છે ત્યાં ઘાનામાં આ જે ઘટના બની ગઈ એ ફૂટબોલરના ઘરમાં શોકનું વાતાવરણ છે.

ઘાના વર્લ્ડ કપમાં ગ્રૂપ-એલમાં છે અને આ દેશ પહેલી લીગ મૅચ જીતી ગયું છે અને બીજી જીતશે તો નૉકઆઉટમાં મોટા ભાગે પહોંચી જ જશે. એના ગ્રૂપની બીજી ટીમોમાં ઇંગ્લૅન્ડ, પનામા અને ક્રોએશિયા છે. ઘાના (Ghana)એ 17મી જૂને પનામાને પ્રથમ મૅચમાં 1-0થી હરાવીને ત્રણ પૉઇન્ટ મેળવ્યા હતા.

હવે મૂળ મુદ્દા પર આવીએ તો ઘાનામાં ઍમેટર (શિખાઉ) ખેલાડીઓની ફૂટબૉલ મૅચ ચાલી રહી હતી જેમાં એક ટીમનો ખેલાડી હરીફ ટીમના ગોલકીપર સાથે ટકરાતાં ખેલાડીનું તત્કાળ મૃત્યુ થયું હતું.

ઇમેન્યૂએલ નામનો આ પ્લેયર બૉલ પર કબજો કરવા અને ગોલ કરવાના આશયથી હરીફ ટીમના ગોલપોસ્ટ તરફ ધસી આવ્યો ત્યારે ગોલકીપર (Goalkeeper)થી બૉલને કિક નહોતી લાગી અથવા કોઈ કારણસર તે સીધો ખેલાડી પર જ ધસી આવ્યો હતો જેમાં ગોલકીપરનું ઘૂંટણ ખેલાડીના માથાને વાગ્યું હતું અને ખેલાડી તરત જ નીચે પટકાયો હતો. ઇમેન્યૂએલના ચહેરા પર પણ ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના પછી મેદાન પર અરાજકતા ફેલાઈ હતી. વીડિયો પરથી લાગે છે કે ગોલકીપરે બૉલને ટાર્ગેટ બનાવવાને બદલે ખેલાડીના સીધા માથા પર જ લાત દીધી હતી.

આખી ઘટનાની તપાસ થઈ રહી છે. સોશ્યલ મીડિયામાં કેટલાક ફૂટબૉલપ્રેમીઓએ ગોલકીપરનો દોષ કાઢ્યો છે અને કેટલાક માટે આ ઘટના આકસ્મિક બની હતી.