મુંબઈઃ સુપરસ્ટાર સલમાન ખાન અને વિવાદોનો જૂનો નાતો છે.સલમાન એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે.હવે તે એના પર આધારિત નવી ફિલ્મ 'કાલા હિરન-ધ બેટલ ફોર લેગેસી' મુદ્દે ચર્ચામાં છે. આ ફિલ્મ રિલીઝ ન થાય એ માટે સલમાન ખાને દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, હવે દિલ્હી હાઈકોર્ટમાંથી પણ સલમાન ખાનને કોઈ રીતે રાહત થઈ નથી. આ કેસ પર સુનાવણી લંબાવી દેવામાં આવી છે. 'ભાઈજાન' સલમાન ખાનને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હરણના શિકારને લઈને અગાઉ પણ એમની સામે કાયદાકીય કાર્યવાહી થયેલી છે. સલમાનને જેલવાસ સુધીની સજા પણ કોર્ટે ફટકારેલી છે.
શું છે આખો મામલો?
સલમાન ખાને નવી દિલ્હીની હાઈકોર્ટમાં 'કાલા હિરન-ધ બેટલ ફોર લેગેસી' ફિલ્મ પર રોક લગાવવા માટે એક અરજી કરી હતી. પણ હાઈકોર્ટે આ મામલે કોઈ તાત્કાલિક સ્ટે આપ્યો જ નથી. હાઈકોર્ટે આ મામલાની આગામી સુનાવણી 1 જુલાઈ 2026 સુધી ટાળી દીધી છે.આ ફિલ્મના પ્રોડ્યુસરે કોર્ટમાં જવાબ રજૂ કરવા પર વધુ સમય માગ્યો છે. સલમાન ખાન તરફથી વકીલ સંદીપ સેઠીએ કોર્ટમાં ધારદાર દલીલ કરી હતી. એમનું એવું કહવું હતું કે, આ ફિલ્મનાનિર્માતાએ સલમાન ખાનની મંજૂરી વગર ફિલ્મ બનાવી દીધી છે. ફિલ્મમાં જે કિસ્સો દેખાડવામાં આવ્યો છે એ સલમાનની અંગત જીવન સાથે ડાયરેક્ટ સંબંધ ધરાવે છે. પબ્લિક ઈમેજનો કમાણી કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે.

પ્રોડ્યુસરને મળી ધમકી
સલમાન ખાનની મંજૂરી વગર ફિલ્મ બનાવવાનો કોઈને અધિકાર નથી. આ વાત ત્યારે સામે આવી છે જ્યારે આ ફિલ્મનું ટિઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના પ્રોડ્યુસરે કહ્યું કે, કોર્ટ તરફથી અમને આ ફિલ્મને લઈને જે વાત મળી છે એ માટે અમે કોર્ટ પાસે જવાબ રજૂ કરવા માટેનો સમય માગ્યો છે. આ ફિલ્મ બનાવવા બદલ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જે અંગે તેમણે પોલીસમાં FIR પણ નોંધાવી છે. દિલ્હી હાઈકોર્ટમાં સલમાન ખાન તરફથી એવી અરજી કરવામાં આવી છે કે, આ ફિલ્મના રિલીઝ, પ્રમોશન અને ટિઝર ઉપર પણ પ્રતિબંધ મૂકાવમાં આવે. આ કેસમાં હવે જસ્ટિસ મધુ જૈનની બેન્ચે બંને પક્ષોને સાંભળ્યા બાદ સલમાનની લીગલ ટીમને તમામ દસ્તાવેજો મેકર્સને સોંપવા કહ્યું છે.તા. 12 જૂન 2026 ના રોજ ફિલ્મ 'કાલા હિરણ-બેટલ ફોર લિગેસી' નું ફર્સ્ટ લુક અને ટિઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.

સલમાન ખાનનો આરોપ
આ ટિઝરમાં ફિલ્મ'હમ સાથ સાથ હૈ'ના શુટિંગ વખતે સલમાન ખાને જે હરણનો શિકાર કર્યો હતો. આ સમગ્ર કિસ્સો અને કાયદાની પ્રક્રિયાને રજૂ કરતા મુદ્દાઓની વાત છે. ફિલ્મના મુખ્ય કલાકારે સલમાન જેવું જ ફેમસ બ્રેસલેટ પણ પહેર્યું છે. ટીઝરમાં સલમાનના કાળા હરણ કેસ ઉપરાંત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની અને પોલીસ તપાસ પણ બતાવવામાં આવી છે.સલમાન ખાનનો પણ એવો આરોપ છે કે, આ ફિલ્મ ઈમેજ બગાડવા માટે તૈયાર કરવામાં આવી છે. પોતાના અંગત ફાયદા માટે આવું કરવામાં આવી રહ્યું છે. આ તો પર્સનાલિટી રાઈટ્સનું ઉલ્લંઘન છે. આ ફિલ્મથી સલમાન સામે ચાલી રહેલા અસલી કેસ પર ખોટી અસર ઊભી થાય એવા એંધાણ છે. કોર્ટ હવે આ કેસમાં શું નિર્ણય કરે છે એના પર સૌની નજર છે.