અર્શદીપના સ્થાને રમનાર પ્રસિદ્ધ ક્રિષ્નાની પાંચ વિકેટ
ચેન્નઈઃ અહીં ભારત સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ લીધા બાદ 44.2 ઓવરમાં 218 રનના સ્કોર પર ઑલઆઉટ થયું હતું. 96મી વન-ડે રમી રહેલો કૅપ્ટન હશમતુલ્લા શાહિદી (102 રન, 131 બૉલ, એક સિક્સર, તેર ફોર) એકલો ભારતીય બોલર્સ સામે લાંબા સમય સુધી લડ્યો હતો અને વન-ડે કરીઅરની પ્રથમ સેન્ચુરી ફટકાર્યા પછી જ આઉટ થયો હતો. તે ચોથા નંબરે મેદાન પર આવ્યો હતો અને છેક છેલ્લે આઉટ થયો હતો. આ પહેલાં, અણનમ 97 રન તેનો હાઇએસ્ટ સ્કોર હતો.

ક્રિષ્નાની પહેલી વખત પાંચ વિકેટ
અર્શદીપ સિંહના સ્થાને રમનાર પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ પાંચ વિકેટનો તરખાટ મચાવ્યો હતો. વન-ડે કરીઅરમાં તેણે પહેલી જ વખત મૅચમાં પાંચ વિકેટ લીધી છે. તેને નવા બૉલમાં સારા સ્વિંગ મળ્યા હતા અને તેણે સીમની મદદથી બૅટ્સમેનોને મૂંઝવી દીધા હતા. અફઘાનિસ્તાનની પહેલી ચાર વિકેટ માત્ર 36 રનમાં પડી હતી અને ચારેય વિકેટ ક્રિષ્નાએ લીધી હતી. એક-એક વિકેટ ગુર્નુર બ્રાર, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેએ લીધી હતી.

ગિલ-કિશનના હાથે બે બૉલમાં બે રનઆઉટ
બે બૉલમાં અફઘાનિસ્તાનના બે બૅટ્સમેન રનઆઉટ થયા હતા. 41મી ઓવરના છેલ્લા બૉલમાં શુભમન ગિલ અને ઇશાન કિશને મળીને એએમ ગઝનફર (એક રન)ને રનઆઉટ કર્યો હતો. પછીની ઓવરના પહેલા જ બૉલમાં ફરી એક વાર ગિલ-કિશનના તાલમેલથી ફરીદ અહમદે રનઆઉટમાં વિકેટ ગુમાવી હતી. ફરીદે હજી એક પણ બૉલનો સામનો પણ નહોતો કર્યો અને તે રનઆઉટ થયો હતો.
2 Runs outs in 2 balls, courtesy the duo of Ishan Kishan and Shubman Gill.
— Maina Singh (@Maina_Singhx77) June 20, 2026
Fareed Malik RUN OUT. ✖️
AM Ghazanfar RUN OUT. ✖️ pic.twitter.com/EsHvtxwHgT
એકંદરે મૅચમાં ભારતનો હાથ ઉપર હતો. માત્ર એક ભાગીદારી ભારતીયોને નડી હતી. શાહિદી અને અઝમતુલ્લા ઓમરઝાઈ (50 રન, 56 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે 105 રનની પાર્ટનરશિપ થઈ હતી.
ભારત આ મૅચ પહેલાં ત્રણ મુકાબલાની સિરીઝમાં 2-0થી આગળ હતું અને ટ્રોફી પર કબજો કરી ચૂક્યું હતું.