Sat Jun 20 2026

Logo

ગુજરાતમાં ચોમાસું જામશે: આગામી 7 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જુઓ ગ્રાફિક્સ

2026-06-20 14:36:32
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હાલ વિવિધ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજથી 26 જૂન સુધીનું પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. આગામી 7 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

ચોમાસાના પ્રારંભિક તબક્કામાં આજે સમગ્ર ગુજરાતમાં વ્યાપક અસર જોવા મળશે. 20 જૂનના રોજ સમગ્ર રાજ્યમાં મેઘગર્જનાની ચેતવણી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદની શક્યતા છે.

21 થી 23 જૂન દરમિયાન મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

24 થી 26 જૂન  ઉત્તર અને પશ્ચિમ ગુજરાત (કચ્છ)માં મુખ્યત્વે શુષ્ક વાતાવરણ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે.સપ્તાહના અંત તરફ જતાં વરસાદનું જોર ઉત્તર અને પશ્ચિમ ભાગોમાંથી સંપૂર્ણપણે ઘટી જશે અને દક્ષિણ સરહદો તરફ સીમિત થશે.

દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ભાગો: વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ-દમણના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

સપ્તાહ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમ મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

 હવામાન વિભાગ દ્વારા વરસાદ અને ખાસ કરીને મેઘગર્જના-વીજળીના ચમકારા વખતે સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું અને સલામત સ્થળે આશ્રય લેવા અપીલ કરવામાં આવી હતી.