નવી દિલ્હીઃ શુભમન ગિલના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયા હાલ અફઘાનિસ્તાન સામે વન ડે સીરિઝ રમી રહી છે. આ સીરિઝનો અંતિમ મુકાબલો આજે ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. આ મેચ બાદ ભારત ઈંગ્લેન્ડ પ્રવાસે જવાનું છે. ઈંગ્લેન્ડ સામે રમાનારી વન ડે સીરિઝ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હજુ સુધી સંપૂર્ણ ફિટ થઈ ન શક્યો હોવાથી ઈંગ્લેન્ડ સામેની વન ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. બીજી તરફ વિરાટ કોહલીની ફિટનેસને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે અને તેની વાપસીની આશા વધી ગઈ છે.
આગામી સપ્તાહે ટીમ થઈ શકે છે જાહેર
ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત આગામી સપ્તાહે થઈ શકે છે. હાર્દિક પંડ્યા હજુ 50 ઓવરના ક્રિકેટની માંગને અનુરૂપ સંપૂર્ણ ફિટ નથી. તે હજુ સુધી સતત બોલિંગનો વર્કલોડ સતત સંભાળવાની સ્થિતિમાં પહોંચી શક્યો નથી. તેથી આ સીરિઝ માટે તેની પસંદગી નહીં થાય. ઈજાના કારણે પરેશાન હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામે વન ડે સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો હતો.
આ ઉપરાંત આઈપીએલ 2026 ફાઈનલ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ચેમ્પિયન આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ઈજાથી પરેશાન છે. કોહલીને ફાઈનલ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, જેના કારણે તે અફઘાનિસ્તાન સામે વન ડે સીરિઝમાંથી બહાર થયો હતો. વિરાટ કોહલીની ફિટનેસનો એક ટેસ્ટ 22 જૂને થશે, જે બાદ ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝ માટે તેની પસંદગી થશે કે નહીં તે નક્કી થશે.
રિપોર્ટ અનુસાર વિરાટ હેમસ્ટ્રિંગની ઈજાથી મુક્ત થઈ રહ્યો છે. 22 જૂને તે સેન્ટર ઑફ એક્સીલેન્સ જશે અને તેનો ફિટનેસ ટેસ્ટ થશે. જે બાદ વન ડે ટીમની જાહેરાત થશે. હાર્દિક પંડ્યા બેંગ્લૂરુ સ્થિત સેન્ટર ઑફ એક્સીલેન્સમાં રિહેબની પ્રક્રિયામાં પસાર થઈ રહ્યો છે. IPL 2026 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતી વખતે તેને પીઠમાં ખેંચાણ થયું હતું. જે બાદ વાપસીની કોશિશ કરી રહ્યો હતો. તેણે ટ્રેનિંગ દરમિયાન 10 ઓવરનો સ્પેલ પણ નાંખ્યો હતો અને વાપસીની આશા હતી, પરંતુ આ દરમિયાન તેને વધુ એક ઈજા થઈ હતી.
હાર્દિકની જાંઘની માંસપેશી ખેંચાઈ જવાના કારણે અફઘાનિસ્તાન સામેની વન ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો હતો. ફિટનેસ મેળવવા માટે વધારવામાં આવેલા બોલિંગ વર્કલોડના કારણે આ નવી સમસ્યા તઈ હોવાનું માનવામાં આવે છે. આ સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા નથી માંગતું અને તેને સંપૂર્ણ ફીટ રાખવા આરામ આપવામાં આવી શકે છે.
આગામી વર્ષે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબીયામાં રમાનારા વર્લ્ડ કપને જોતાં ભારતીય ટીમ મેનેજમેન્ટ મુખ્ય ખેલાડીઓની ફિટનેસ પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડયા જેવા ખેલાડીઓને આ મેગા ઈવેન્ટ માટે ફિટ રાખવા ખૂબ જરૂરી છે.