ભુજઃ ભાતીગળ પ્રદેશ કચ્છ તેની ભૌગોલિક વિવિધતાની સાથે હવે વૈશ્વિક સ્તરે ભારતના “જુરાસિક પાર્ક” તરીકે ઉભરી રહ્યો છે. લાખો વર્ષ જૂના ડાયનોસોરના હાડકાં, ઈંડાં અને દુર્લભ દરિયાઈ જીવોના અવશેષોને કારણે આ પ્રદેશ વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા અને ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા આ અવશેષોની સત્તાવાર પ્રમાણિકતા ચકાસવામાં આવી છે. કચ્છના કાટરોલ ફોર્મેશનમાંથી સોરોપોડ, મેગાલોસૌરીડ અને ઓર્નિથોપોડ પ્રજાતિના ડાયનોસોરના પગલાં તેમજ કરોડરજ્જુના અશ્મિઓ એટલે કે,ફોસિલ્સ મળી આવ્યા છે, જે આ પ્રદેશના કરોડો વર્ષ જૂના ઈતિહાસની સાક્ષી પૂરે છે.
ભુજ તાલુકાનું લોડાઇ ગામ ડાયનોસોર સંશોધન ક્ષેત્રે વૈશ્વિક નકશા પર ચમક્યું છે. લોડાઈ નજીક આવેલી 'કાસ હિલ' પરથી આશરે ૧૩૦ થી ૧૫૮ મિલિયન વર્ષ જૂનો અને ૧૦ મીટર લાંબો શાકાહારી ડાયનોસોરનો હાથ-પગનો ભાગ મળી આવ્યો હતો, જેની સરખામણી પ્રખ્યાત ‘કેમેરાસૌરસ સુપ્રીમસ’ પ્રજાતિ સાથે કરવામાં આવી છે. આ ઉપરાંત, ભારત-જર્મન સંશોધકોની સંયુક્ત ટીમે દિલ્હી યુનિવર્સિટીના પ્રો. ગુન્ટુપલ્લી વી.આર. પ્રસાદના નેતૃત્વમાં ભારતનો સૌપ્રથમ લગભગ સંપૂર્ણ જુરાસિક યુગનો ‘ઈચ્થિયોસોર’ (ફિશ લિઝાર્ડ) શોધી કાઢ્યો છે. આ આશરે ૧૫૨ થી ૧૫૭ મિલિયન વર્ષ જૂનો અને ૫.૫ મીટર લાંબો દરિયાઈ સરીસૃપ (રેપ્ટાઈલ) છે, જેનો અહેવાલ પ્રતિષ્ઠિત ‘પ્લોસ વન’ જર્નલમાં પણ પ્રકાશિત થયો છે. આ શોધ સાબિત કરે છે કે જુરાસિક યુગમાં કચ્છ એક સમૃદ્ધ દરિયાકાંઠાનો વિસ્તાર હતો જ્યાં જમીની અને દરિયાઈ બંને પ્રકારના ડાયનોસોર વસતા હતા. તેમજ તેનાથી ગોંડવાનાલેન્ડના સમયના ભારત-માડાગાસ્કર પ્રદેશના જૈવિક જોડાણ પર નવો પ્રકાશ પડ્યો છે.
બીજી તરફ, પુરાતન નગરી ધોળાવીરાથી ૧૦ કિલોમીટર દૂર આવેલા ખડીર બેટ ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા એક અત્યાધુનિક ‘ફોસિલ સ્ટેશન’ વિકસાવવામાં આવ્યું છે. અહીં ૧૮૭થી ૧૭૬ મિલિયન વર્ષ જૂના જુરાસિક યુગના પેટ્રિફાઇડ (પથ્થર બની ગયેલા) લાકડાનું વિશાળ થડ જમીનમાંથી બહાર નીકળેલી હાલતમાં જોવા મળે છે. આ અવશેષો એ સમયના ઘટાદાર જંગલો અને ફળદ્રુપ વાતાવરણની યાદ અપાવે છે. આ અશ્મિઓ કાટરોલ ફોર્મેશન જેટલા જ મહત્વના છે, જે પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓને પૃથ્વીના પ્રાચીન વનસ્પતિ જીવનનો જીવંત પરિચય કરાવે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં એક કડી ઉમેરતા તાજેતરના ૨૦૨૫ના સંશોધનમાં અંજાર તાલુકાના ટપ્પર ડેમ નજીકથી મિઓસીન યુગના ખડકોમાંથી ૧૦.૫ મિલિયન વર્ષ જૂના વાનર જેવાં પ્રાણી ‘શિવાલિક પિથેકસ’ના અવશેષો પણ મળી આવ્યા છે, જે માનવ ઉત્ક્રાંતિના અભ્યાસ માટે અત્યંત મહત્વના સાબિત થશે.
દરમ્યાન, કચ્છના આ અમૂલ્ય ભૂસ્તરીય વારસાને સાચવવા અને પર્યટનને વેગ આપવા માટે ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગે એક વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. કાળા ડુંગરની ટેકરીઓ કે જે ૬૫ મિલિયન વર્ષ જૂના ડાયનોસોર અવશેષોની ‘ટ્રેઝરી’ ગણાય છે તેને કેન્દ્રમાં રાખીને આ પ્રકલ્પ વિકસાવવામાં આવી રહ્યો છે. નિરોણા ગામ પાસે આવેલા ‘કચ્છ ફોસિલ પાર્ક’ને આંતરરાષ્ટ્રીય સ્તરના સંગ્રહાલયમાં ફેરવવાની યોજના છે, જેમાં રૂ. ૧૨ કરોડના પ્રાથમિક ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ આધુનિક પાર્કમાં અવશેષોના વૈજ્ઞાનિક સંરક્ષણ માટે આધુનિક લેબોરેટરી, 3D ડાયનોસોર મોડેલ્સ અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) ઝોન,વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર અને શૈક્ષણિક પ્રવાસન સુવિધાઓ ઊભી કરાશે.
સ્થાનિક અશ્મિ સંશોધક નરેન્દ્રસિંહ સોઢાના ખાનગી સંગ્રહને પણ આ પાર્કમાં સ્થાન આપી, તેમની સેવાઓ માર્ગદર્શક તરીકે લેવાની દરખાસ્ત છે. સરકાર ભવિષ્યમાં આ સમગ્ર વિસ્તારને ‘કચ્છ જીઓપાર્ક’ તરીકે વૈશ્વિક ઓળખ અપાવવા અને ‘યુનેસ્કો’ સમક્ષ રજૂ કરવા માટેની શક્યતાઓ પણ ચકાસી રહી છે. ૬૫ મિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પરથી ડાયનોસોર લુપ્ત થયા ત્યાં સુધી જીવંત રહેલા કચ્છના આ પહાડો આજે આધુનિક વિજ્ઞાન માટે જ્ઞાનનો અખૂટ ખજાનો સાબિત થઈ રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)