Sat Jun 20 2026

Logo

પ્રી મોન્સૂનની પોલંપોલ, ચોમાસામાં અમદાવાદમાં 100થી વધુ જગ્યાએ પાણી ભરાવાનું નક્કી!

2026-06-20 12:23:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈ મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી હતી. પ્રી મોન્સૂન પ્લાનની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, તેમ છતાં જુદા જુદા વિસ્તારોમાં 108 જગ્યાએ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.  આ બેઠકમાં મેયરે અધિકારીઓને પાણી ભરાતા સ્થળોની ઓળખ કરવા અને વીજ કરંટ લાગવાની ઘટનાઓ રોકવા માટે ખામીયુક્ત સ્ટ્રીટ લાઈટના પૉલનું સમારકામ કરવા આદેશ આપ્યો હતો. 

સૂત્રોના જણાવ્ય પ્રમાણે, મેયરે વિવિધ અધિકારીઓ સાથે પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત કરેલી કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજી હતી. તેમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અને તૈયારીની જાણકારી આપવામાં આવી હતી. આગામી થોડા દિવસોમાં શહેરમાં ચોમાસાનું આગમન થશે અને જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે વિવિધ વિસ્તારમાં કુલ 108 જગ્યાએ પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

આ ઉપરાંત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચોમાસા લક્ષી સમસ્યાના નિવારણ માટે મ્યુનિ.ના મેઇન કંટ્રોલરૂમ સહિત કુલ 25 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા હતા. તેમજ વરસાદના પાણીના નિકાલ માટે તમામ કેચપીટ અને ડ્રેનેજ લાઇનો સાફ કરી નાખવામાં આવી છે અને જે વિસ્તારોમાં તળાવો આવેલાં છે તેમાં વરસાદી પાણીના નિકાલ માટે ઇનલેટ અને આઉટલેટની સફાઇ કરાવી દેવામાં આ‌વી છે. ઉપરાંત સાબરમતી નદીમાં ખુલતાં પશ્ચિમના 25 તથા પૂર્વના 18 ડિસ્ચાર્જ પોઇન્ટ ખાતેથી પણ વરસાદી પાણીનો નદીમાં નિકાલ કરવામાં આવશે.એટલુ જ નહીં, તમામ સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન વગેરે ઓવરહોલીંગ કરી 24 કલાક સ્ટાફ હાજર રાખવાની તાકીદ કરવામા આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણી ઉલેચવા માટે હેવીડ્યુટી વરુણ પંપ વગેરે પણ સજ્જ રાખવામાં આવ્યા છે.

 

ચોમાસા દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડે તેવા સંજોગોમાં વૃક્ષો ધરાશાયી થાય ત્યારે તેનો નિકાલ કરવા માટે ગાર્ડન ખાતાની ટીમો તેમજ ફાયર બ્રિગેડની ટીમોને તૈયાર રહેવાની સૂચના આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કંટ્રોલરૂમમાંથી તમામ સીસિટીવી કેમેરા થકી જુદા જુદા વિસ્તારો અને અંડરપાસ વગેરે જગ્યાએ નજર રાખવામાં આવશે અને વરસાદી પાણી ભરાશે તે સાથે જે તે ઝોન અને વોર્ડના ઇજનેર ખાતાને સૂચના આપવામાં આવશે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, પાણીજન્ય રોગોને અટકાવવા માટે, AMC નિયમિત મેડિકલ કેમ્પ યોજશે, દવાઓનું વિતરણ કરશે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અટકાવશે, ફોગિંગ કરશે અને પાઇપ લીકેજનું સમારકામ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સમગ્ર શહેરમાં અને સાબરમતી નદીમાં પાણીના સ્તર પર નજર રાખવા માટે 42 ઓટોમેટિક રેઈન ગેજ  અને સાત ઝોનને આવરી લેતો એક સેન્ટ્રલાઈઝ્ડ મોન્સૂન કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.