Fri May 01 2026

Logo

પશ્ચિમ એશિયાની નાજુક સ્થિતિ વચ્ચે ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

2026-04-09 19:42:55
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ લેબેનોન પર બૉમ્બમારો ચાલુ રાખે તો પશ્ચિમ એશિયામાં પરિસ્થિતિ વધુ નાજુક બને અને હોર્મુઝ દરિયાઈ માર્ગ ખુલવા અંગે પ્રશ્નાર્થ ઊભો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા ટ્રેડરોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 10 પૈસા નબળો પડીને 92.64ની સપાટીએ બંધ રહ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી વચ્ચે આજે ડૉલર સામે રૂપિયો બેતરફી વધઘટે અથડાઈને અંતે ત્રણ પૈસાના સુધારા સાથે 92.51ના મથાળે બંધ રહ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 92.54ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 92.63ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.92 અને ઉપરમાં 92.53ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે 92.51ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં બાવન પૈસાનો ઉછાળો આવ્યો હતો. 

એકંદરે યુદ્ધવિરામ અંગે અનિશ્ચિતતા અને જો ઈઝરાયલ લેબેનોન પર બૉમ્બમારો ચાલુ રાખશે તો વાટાઘાટોમાંથી ખસી જવા ઈરાને ધમકી આપી હોવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. વધુમાં ઈરાને ઈઝરાયલના લેબેનોન પરના હુમલાઓને ધ્યાનમાં લેતા હોર્મુઝ માર્ગ બંધ રાખ્યો હતો. જોકે, આગલા દિવસે વ્હાઈટ હાઉસે યુદ્ધવિરામની વાટાઘાટો પૂર્વે હોર્મુઝ માર્ગ ખોલવાની માગણી કરી હતી. 

એકંદરે એશિયન બજારોમાં જોવા મળેલી પીછેહઠ સાથે ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. ખાસ કરીને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલ સુધીમાં સતત 23માં સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહી હતી અને ગઈકાલે રૂ. 2811.97 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સત્ર દરમિયાન એક તબક્કે રૂપિયો 38 પૈસા ગબડીને અંતે સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.12 ટકા ઘટીને 99.01 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 3.08 ટકા વધીને બેરલદીઠ 97.67 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 931.25 પૉઈન્ટનો અને 222.25 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો.