રૂદ્રપ્રયાગઃ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં સતત થઈ રહેલા વરસાદે કેદારનાથ અને બદ્રીનાથ યાત્રાને ક્નેક્ટ કરતી બાયપાસ ટનલને માઠી અસર કરી છે. સતત વરસાદને કારણે અહીંયા ભૂસ્ખલન થતા રસ્તા પર મસમોટા પથ્થરનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. લાંબા અંતર સુધી માટી અને પથ્થર પડી રહેવાના કારણે રસ્તો વાહનવ્યહાર માટે કઠિન બની ગયો હતો. રૂદ્રપ્રયાગ બાયપાસ ટનલ પાસે ભૂસ્ખલન થતા જિલ્લા અધિકારી વિશાલ મિશ્રાએ સ્થળ તપાસ કરી હતી. 910 મીટર લાંબી ટનલનું નિરિક્ષણ કરીને જે તે વિભાગીય અધિકારીઓને ટેકનિકલ વિષયક તપાસના આદેશ આપ્યા હતા. આ સિવાય ભૂ વિજ્ઞાનીઓને પણ તપાસ માટેના આદેશ આપ્યા હતા, જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સમસ્યા ઊભી થાય નહીં.
રિપોર્ટ આવ્યા બાદ લેવાશે નિર્ણય
આ નિરીક્ષણ દરમિયાન જિલ્લા અધિકારીની ટીમે તથા ભૂ-વિજ્ઞાનીની ટીમે સ્થળ તપાસ કરીને રિપોર્ટ બનાવવા માટે આદેશ કર્યો છે.અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં જે જોખમ દેખાઈ રહ્યું છે એને ધ્યાને લેતા ટેકનિકલ દિશામાંથી તપાસ કરવામાં આવી રહી છે. દરેક પાસા પર ઊંડી તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ તૈયાર કરાશે અને એ પછી આગળની કાર્યવાહીને નક્કી કરવામાં આવશે. જિલ્લા અધિકારી વિશાલ મિશ્રાએ એક ટીમ તૈયાર કરીને પરિસ્થિતિ પર સતત વૉચ રાખવા માટેના આદેશ આપ્યા છે. ખાસ કરીને કોઈ મોટી જાનહાનિ ન થાય એ માટે અત્યારથી પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વરસાદની સ્થિતિ દરમિયાન ખાસ તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ભૂ-વિજ્ઞાનીઓનો વિસ્તૃત રિપોર્ટ જાણ્યા બાદ જ ટેકનિકલ ટીમને કામ સોંપવામાં આવશે. સુરક્ષા સંબંધી પગલાં લેવામાં આવશે.
ચારધામ યાત્રાને પ્રાથમિકતા
અધિકારીઓએ નિરીક્ષણ બાદ જણાવ્યું હતું કે, હાલમાં નિરીક્ષણનું કામ ખતમ થઈ ગયું છે, આ ટનલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. વાહનવ્યહાર પર હવે કોઈ માઠી અસર નહીં થાય. જરૂરી પગલાં લેવા પર સતત નજર રાખવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓને પ્રાથમિકતા આપી યાત્રાને કોઈ રીતે અસર ન થાય એવા પગલાં લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય જળ આયોગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં અચાનક પૂરના જોખમ અંગે એલર્ટ જાહેર કરી દીધું છે. ગઢવાલ વિભાગના કમિશનરના જણાવ્યા અનુસાર, હવામાન સામાન્ય થયા પછી અને માર્ગોને સંપૂર્ણપણે સલામત જાહેર કરવામાં આવ્યા પછી જ યાત્રા ફરી શરૂ થશે.