અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે. આ પૈકી મોટાભાગના લોકો ઈ-મેમોની રકમ ભરતા નથી. ઈ-મેમો દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ સતત વધી રહી હોવાથી એક મોટો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ટ્રાફિકના બાકી ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો હવે બાકી લેણાં નહીં ચૂકવે ત્યાં સુધી વિવિધ RTO સેવાઓનો લાભ લઈ શકશે નહીં.
ઉપરાંત મોબાઇલ નંબર અને આધાર સાથે લિંક થયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર સંબંધિત સેવાઓ મેળવતી વખતે પણ વાહનમાલિકના નામે નોંધાયેલા અન્ય વાહનોના બાકી ચલણની ચકાસણી કરવામાં આવશે.
આ ઈન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓનરશિપ ટ્રાન્સફર, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટમાં સરનામું બદલવું, હાઇપોથેકેશન ટર્મિનેશન અને ડુપ્લિકેટ RC મેળવવા જેવી તમામ સેવાઓ આપતી વખતે આપમેળે જ બાકી ઈ-ચલણ ચેક કરશે. અરજીઓ મંજૂર કરતા અધિકારી પણ બાકી દંડની ચકાસણી કરશે. જો દંડ બાકી હોય તો અરજીઓ પ્રોસેસ કર્યા વિના પહેલાં બાકી રકમ ભરવાની સૂચના સાથે પરત મોકલી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં સમગ્ર ગુજરાતમાં મળતી વાહન સંબંધિત તમામ અરજીઓમાંથી લગભગ 50% અરજીઓ બાકી દંડના કારણે અટવાયેલી છે. જોકે, અમદાવાદમાં આ પેન્ડન્સી દર નોંધપાત્ર રીતે ઓછો એટલે કે આશરે 35% જેટલો છે. વર્ષ 2024થી ગુજરાતમાં અંદાજે 1.80 કરોડ ટ્રાફિક ચલણ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. માત્ર 1 જાન્યુઆરીથી 31 જુલાઈ, 2026 દરમિયાન જ કુલ 50.6 લાખ ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.
સૂત્રો મુજબ, જ્યારે ઘણા વાહનમાલિકોને RTO સેવાની અરજી શરૂ કરે છે ત્યારે જ બાકી ચલણ વિશે જાણ થાય છે. એકવાર વ્યક્તિને ખબર પડે કે ચલણ બાકી છે, તો તેઓ સામાન્ય રીતે દંડ ભરી દે છે. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ટ્રાફિક પોલીસ અને ટ્રાન્સપોર્ટ ડેટાબેઝ વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરી રહી છે. એકવાર આ પ્રક્રિયા પૂર્ણપણે અમલમાં આવી જશે, પછી સિસ્ટમ બાકી ચલણ ધરાવતા વાહનો સાથે જોડાયેલી કોઈપણ અરજીની પ્રક્રિયાને આપમેળે જ બ્લોક કરી દેશે, જેથી વાહન સંબંધિત તમામ વ્યવહારો માટે બાકી લેણાં ચૂકવવાનું ફરજિયાત બની જશે.