Tue Oct 06 2026

Logo

હાર્દિકનો વાપસીનો રસ્તો સાફ, રોહિતને પણ મળી ગઈ લીલી ઝંડી

2026-06-09 16:30:47
Author: Ajay Motiwala
હાર્દિકનો વાપસીનો રસ્તો સાફ, રોહિતને પણ મળી ગઈ લીલી ઝંડી

BCCI


બેંગ્લૂરુઃ ટીમ ઇન્ડિયા માટે અને ટીમના કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે ખુશ ખબર છે! હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા બીસીસીઆઇના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE) દ્વારા ફુલ્લી ફિટ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ અફઘાનિસ્તાન સામે શનિવાર, 13મી જૂને ધરમશાલામાં શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ (SERIES)માં રમી શકશે.

સીઓઇની સ્પોર્ટ્સ સાયન્સ ટીમે હાર્દિક (HARDIK) અને રોહિત (ROHIT)ને ફિટનેસનું સર્ટિફિકેટ આપ્યું છે. હાર્દિક અને રોહિત તાજેતરમાં ફિટનેસના અભાવને લીધે મુંબઈ ઇન્ડિયન્સ વતી આઇપીએલની અમુક મૅચો નહોતા રમી શક્યા. હાર્દિકને પીઠમાં દુખાવો હતો, જ્યારે રોહિતને પગમાં ઈજા હતી. હાર્દિક ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે વિદેશ પ્રવાસે જઈ આવ્યો ત્યાર બાદ બીજી જૂનથી સીઓઇમાં જ હતો જ્યાં તેણે ફિટનેસ પુરવાર કરવાને લગતી કેટલીક પ્રક્રિયા પૂરી કરી અને (વન-ડે મૅચ માટે જરૂરી) પૂરી 10 ઓવર બોલિંગ કરી હતી.

બીસીસીઆઇના સૂત્રએ જણાવ્યું છે કે `હાર્દિક અને રોહિતને ફિટનેસની બાબતમાં કંઈ જ તકલીફ નથી તેમ જ વિવિધ માપદંડ માટેના ફિટનેસ ડૅટા ક્રિકેટ બોર્ડના સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.'

ભારતની વન-ડે ટીમમાં સંતુલનની દૃષ્ટિએ ઑલરાઉન્ડર હાર્દિક ખૂબ અગત્યનો ખેલાડી છે. ભારતના સહાયક કોચ શિતાંશુ કોટકે પણ સોમવારે જણાવ્યું હતું કે ફિટનેસની બાબતમાં હાર્દિકને હવે ઘણું સારું છે.'

વિરાટ કોહલી પગના દુખાવાને કારણે અફઘાનિસ્તાન સામેની આગામી વન-ડે સિરીઝમાં નથી રમવાનો. ત્રણ મૅચ ધરમશાલા, લખનઊ અને ચેન્નઈમાં રમાશે.