એકસ્ટ્રા અફેર - ભરત ભારદ્વાજ
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના આંદોલનને મળેલી ભવ્ય સફળતાના પગલે તેના જેવાં બીજાં કેટલાંક ઓનલાઈન આંદોલનો પણ શરૂ થયાં છે ને તેમાં સૌથી નોંધપાત્ર ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ (આરએચએ) છે. ભારતમાં સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અલગ અલગ સમુદાયો માટેની અનામત વ્યવસ્થાને નાબૂદ કરવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા આંદોલનને બીજી ઝુંબેશો કરતાં વધારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેમાં ઘણાંને કૉક્રોચ જનતા પાર્ટી જેવા આંદોલનના ભણકારા સંભળાઈ રહ્યા છે. શૅરબજારમાં રોકાણ અંગે માર્ગદર્શન આપતા વેદાંશ ત્યાગી નામના પોર્ટફોલિયો મેનેજરે ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ નામે ઇન્સ્ટાગ્રામ પેજ લગભગ અઠવાડિયાં પહેલાં બનાવેલું. અત્યાર લગીમાં તેના ફોલોઅર્સનો આંકડો 58 લાખને પાર કરી ચૂક્યો છે.
આ પેજ મારફતે ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ની મુખ્ય માગણીઓ પણ સરકાર સામે મુકાઈ છે. તેમાં મુખ્ય માગણી જ્ઞાતિ આધારિત અનામત નાબૂદ કરવાની છે. આ સિવાય અનામત નીતિની સમીક્ષા કરીને નવા સ્વરૂપમાં અમલ કરીને ખરેખરા જરૂરિયાતમંદોને અનામતનો લાભ આપવો, ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મેરિટ આધારિત પસંદગી કરવી, તમામ વિદ્યાર્થીઓ માટે સમાન શિક્ષણ વ્યવસ્થા, સરકારી ફોર્મમાં જ્ઞાતિ આધારિત ઓળખનું મહત્ત્વ ઘટાડવું અને સમાન તક તથા નિષ્પક્ષ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા સહિતની માગણીઓ કરાઈ છે.
આ માગણીઓ ના સ્વીકારાય તો દિલ્હીના જંતર મંતર ખાતે ધરણાં કરીને પ્રચંડ આંદોલન ઊભું કરવાની ચીમકી પણ અપાઈ છે. ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ની વેબસાઇટ શરૂ કરવાની તૈયારી થઈ ચૂકી હોવાના દાવા પણ કરાઈ રહ્યા છે. વેબસાઈટ મારફતે ઓનલાઈન મેમ્બરશિપ, ડિજિટલ નેટવર્કિંગ અપાશે એવા દાવા પણ થઈ રહ્યા છે. આ પેજને શરૂઆતના બે દિવસમાં જોરદાર પ્રતિસાદ મળ્યો હતો ને માત્ર 48 કલાકમાં 55 લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા. એ પછી થોડી ગતિ ધીમી પડી છે પણ રોજના લાખેક ફોલોઅર્સ તો વધી જ રહ્યા છે એ જોતાં લોકોને તેમાં રસ તો પડી જ રહ્યો છે.
જો કે ગંભીર વાત એ છે કે, આ ઝુંબેશના કારણે અનામત વિરોધી અને અનામતતરફી એમ બે છાવણીઓ પડી ગઈ છે તેથી સોશ્યલ મીડિયા પર જંગ જામવા માંડ્યો છે. કોઈ નવરાએ એવી પોસ્ટ મૂકી દીધેલી કે, કૉક્રોચ જનતા પાર્ટી જેવું પ્રચંડ આંદોલન ઊભું ના થાય એટલે સરકાર ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ને અત્યારથી ટાઢું પાડી દેવા માટે અનામત પ્રથા નાબૂદ કરવા વિચારી રહી છે. ભારતમાં જ્ઞાતિવાદને લગતી વાત આગથી પણ ઝડપથી ફેલાય છે તેથી આ વાત પણ વાઇરલ થઈ જતાં અનામત હટાવવાની હાકલનો વિરોધ કરતા ખેલાડીઓ પણ સોશિયલ મીડિયા પર મેદાનમાં આવી ગયા. તેમણે અનામત હટાવાશે તો તેનાં માઠાં પરિણામો આવશે એવા હાકલાપડકારા શરૂ કરી દીધા તેમાં ગરમીનો માહોલ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે, અનામત હટાવવાની વિચારણા ચાલી રહી હોવાની વાતો ગપગોળાથી વધારે કંઈ નથી ને લોકો આ વાતોને સાચી ના માને પણ તેની બહુ અસર વર્તાઈ નથી. સામસામા હાકલાપડકારા હજુ ચાલુ જ છે.
‘રિઝર્વેશન હટાવો આંદોલન’વાળા ખરેખર જંતર મંતર પર દેખાવો શરૂ કરવાના છે કે પછી ખાલી હૂલ આપી રહ્યા છે એ ખબર નથી પણ ખરેખર એવા દેખાવો થાય તો દેશ ભડકે બળે એમાં શંકા નથી. ભારતમાં અનામત એકદમ સંવેદનશીલ મુદ્દો છે. દેશના અતિ ધનિક એવા બે ટકા લોકોને બાદ કરતાં બાકીના 98 ટકા લોકોને આ મુદ્દો સ્પર્શતો જ નથી પણ તેમનાં હિતો સાથે પણ સંકળાયેલો છે તેથી આખો દેશ મેદાનમાં આવી જાય. ભારતમાં સવર્ણોનો બહુમતી વર્ગ માને છે કે, અનામતના કારણે પોતાને અન્યાય થઈ રહ્યો છે તેથી બધું મેરિટના આધારે થવું જોઈએ પણ આ વર્ગ લઘુમતીમાં છે.
પહેલાં અનામતનો વિરોધ કરવામાં બધા સવર્ણો એક હતા. મોદી સરકારે સવર્ણોમાં આર્થિક રીતે નબળા વર્ગનાં લોકો (ઈડબલ્યુએસ) માટે 10 ટકા અનામતની જાહેરાત કરીને હિંદુઓમાં વધારે ભાગલા પાડ્યા પછી હવે બધા સવર્ણો અનામતના વિરોધી નથી. જેમને ઈડબલ્યુએસ અનામતનો લાભ મળે છે તેમને હવે અનામત પ્રથા સામે વાંધો નથી તેથી પહેલાંથી લઘુમતીમાં અનામત વિરોધીઓ વધારે લઘુમતીમાં આવી ગયા છે. સામે એસસી, એસટી અને ઓબીસી મળીને જ 50 ટકાથી વધારે છે. તેમાં ઈડબલ્યુએસવાળા ઉમેરો તો દેશના 60 ટકાથી વધારે લોકો અનામતનો લાભ મેળવે છે. સ્વાભાવિક રીતે જ અનામત પ્રથાની નાબૂદી આ લોકોનાં હિતોને નુકસાન કરે જ તેથી અનામત નાબૂદી માટે આંદોલન થાય તો એ લોકો ચૂપ ના જ બેસે.
અનામત નાબૂદી માટેનું આંદોલન થાય તો જવાબ આપવા માટે કેટલાક નમૂના અત્યારથી થનગની જ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર આ નમૂના જે ભાષામાં વાત કરી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, તેમને ભડકો કરાવીને ફાયદો લેવામાં રસ છે એ જોતાં હિંસા થાય જ ને આ હિંસા પણ નાનાં છમકલાં જેવી ના હોય. ભૂતકાળમાં જ્યાં પણ અનામત આંદોલનો થયાં છે ત્યાં કેવી હિંસા થઈ છે તેના પર નજર નાખી જોજો. ગુજરાતમાં 1980ના દાયકામાં બે વાર થયેલાં અનામત આંદોલનોએ આખા રાજ્યને છ-છ મહિના માટે ઠપ્પ કરી દીધેલાં. લોકો સામસામે આવી ગયેલાં ને એકબીજાના લોહીનાં તરસ્યાં બની ગયેલાં. અત્યારે પણ એવી જ સ્થિતિ થાય એ જોતાં ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ દેશના હિતમાં નથી. ’રિઝર્વેશન હટાવો આંદોલન’વાળા ભલે દેખાવો જંતર મંતર પર કરે પણ તેના પડઘા આખા દેશમાં પડે ને દેશ આખો ભડકે બળે.
આ સ્થિતિ પેદા ના થાય એ માટે અનામતનો લાભ નથી મળતો એવાં લોકોએ એ વાસ્તવિકતા સ્વીકારી લેવાની જરૂર છે કે, આ દેશમાં અનામત પ્રથામાં નાનો ફેરફાર પણ થઈ શકે તેમ નથી એ જોતાં અનામત પ્રથાની નાબૂદીની વાત તો ભૂલી જ જવાની. ભારતમાં જ્ઞાતિવાદી રાજકારણ એ હદે પ્રબળ છે કે, જ્ઞાતિ આધારિત અનામત પ્રથા નાબૂદ કરવાની કોઈની તાકાત જ નથી. આ સામી ભીંતે લખાયેલું સત્ય છે ને તેને જેટલી જલદી સ્વીકારી લો એટલા વધારે સુખી થશો. એક જમાનામાં ભાજપ જ્ઞાતિ આધારિત અનામતને નાબૂદ કરીને આર્થિક ધોરણે અનામત લાવવાની વાતો કરતો હતો પણ દેશમાં જ્ઞાતિવાદનો પ્રભાવ જોયા પછી ભાજપ પોતે સાવ ઠંડો પડી ગયો છે. હવે ભાજપ અનામત પ્રથા મુદ્દે કશું બોલતો જ નથી કેમ કે બોલવા જાય તો તેના બોર વેરાઈ જાય.
આ કડવી વાસ્તવિકતા છે ને બહુમતી સવર્ણો આ વાસ્તવિકતાને સ્વીકારી ચૂક્યા છે. પોતાનાં સંતાનોને ગમે તે રીતે વિદેશ મોકલીને એ લોકો છુટકારો મેળવી રહ્યાં છે. તેના કારણે દેશને નુકસાન થઈ રહ્યું છે પણ મતબેંકનું રાજકારણ હંમેશાં દેશના હિતથી મોટું સાબિત થાય છે પછી કોઈ શું કરી શકે?