ધરમશાલાઃ હિમાચલ પ્રદેશના ધરમશાલામાં મંગળવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન બેંગ્લૂરુએ ગુજરાતને 92 રનથી હરાવીને સતત બીજી સીઝનમાં ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. બેંગ્લૂરુએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 254 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમ 19.3 ઓવરમાં 162 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. RCBના ફાઈનલ પ્રવેશને પગલે વિજય માલ્યાએ ટ્વિટ કરીને ટીમને અભિનંદન આપ્યા હતા.
વિજય માલ્યાએ શું કરી ટ્વિટ ?
મોડી રાતે વિજય માલ્યાએ ટ્વિટ કરીને લખ્યું, ધરમશાલામાં શાનદાર જીત માટે આરસીબીને ખૂબ ખૂબ અભિનંદન. તમે બેંગ્લૂરુના સિંહોની જેમ ગર્જના કરી અને ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આઈપીએલ ફાઈનલમાં પહોંચ્યા.
Many Many congratulations to RCB namma dodda Simhagulu for an emphatic victory in Dharamshala tonight. You roared loud like the Lions of Bengaluru and roared into the IPL final as defending champions.
— Vijay Mallya (@TheVijayMallya) May 26, 2026
મેચ પહેલા પણ માલ્યાએ ટીમનો ઉત્સાહ વધારતી પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, બેસ્ટ ઑફ લક આરસીબી. આ આપણા બેંગ્લૂરુનાં સિંહો માટે સીધો ફાઈનલમાં જવાનો શાનદાર મોકો છે. નિર્ભય થઈને રમો અને જોરદાર ગર્જના કરો, ભગવાન તમારું ભલું કરે.
બેંગ્લૂરુએ પાંચ વિકેટે 254 રન બનાવ્યા હતા. રજત પાટીદાર (93 અણનમ, 33 બૉલ, નવ સિક્સર, પાંચ ફોર) કૅપ્ટન્સ ઇનિંગ્સ રમ્યો હતો. તેણે કૃણાલ પંડ્યા (43 રન, 28 બૉલ, બે સિક્સર, પાંચ ફોર) સાથે 47 બૉલમાં 95 રનની, ટિમ ડેવિડ (ચાર રન) સાથે 11 બૉલમાં પચીસ રનની પાર્ટનરશિપ અને છેલ્લે વિકેટકીપર જિતેશ શર્મા (15 અણનમ, પાંચ બૉલ, એક સિક્સર, એક ફોર) સાથે 12 બૉલમાં 40 રનની અતૂટ ભાગીદારી કરી હતી. વિરાટ કોહલી (43 રન, પચીસ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને પડિક્કલ (30 રન, 19 બૉલ, પાંચ ફોર) તેમ જ ઓપનર વેન્કટેશ ઐયર (19 રન, સાત બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના પણ નાના-મોટા યોગદાન હતા.
ગુજરાત ટાઈટન્સની ટીમ 255 રનના તોતિંગ લક્ષ્યાંક નીચે દબાઈ ગયા હતા. રાહુલ તેવાટિયા (68 રન, 43 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) ટીમનો હાઇએસ્ટ સ્કોરર હતો. બટલર (29 રન, 11 બૉલ, બે સિક્સર, ચાર ફોર) તથા સુદર્શન (14 રન, 9 બૉલ, ત્રણ ફોર) સિવાય ગુજરાતનો એકપણ બેટ્સમેન ડબલ આંકડામાં પહોંચી શક્યો નહોતો. ડફીએ ત્રણ, રસિખ સલામે બે તેમ જ ભુવીએ અને કૃણાલે પણ બે વિકેટ અને હૅઝલવૂડે એક વિકેટ લીધી હતી.