Sat Sep 12 2026

Logo

અમદાવાદની આ જાણીતી બેંકમાંથી આજથી નહીં ઉપાડી શકાય રોકડ, RBIએ લગાવ્યો પ્રતિબંધ

2026-03-12 14:21:00
Author: Mayur Patel
અમદાવાદની આ જાણીતી બેંકમાંથી આજથી નહીં ઉપાડી શકાય રોકડ, RBIએ લગાવ્યો પ્રતિબંધ

અમદાવાદઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદની ગુજરાત રાજ્ય કર્મચારી કો-ઓપરેટિવ બેંકની નબળી નાણાકીય સ્થિતિ અને લિક્વિડિટી ચિંતાઓને ધ્યાનમાં રાખીને પ્રતિબંધો લગાવ્યા છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની જોગવાઈઓ હેઠળ આ નિર્દેશો 11 માર્ચ 2026ના રોજ કામકાજ બંધ થયા બાદથી અમલમાં આવ્યા હતા.

RBI ના આદેશ મુજબ, બેંક હવે રિઝર્વ બેંકની આગોતરી લેખિત મંજૂરી વિના નવી લોન આપી શકશે નહીં અથવા જૂની લોન રિન્યુ કરી શકશે નહીં. આ ઉપરાંત, બેંક નવું રોકાણ, ભંડોળ ઉધાર લેવું, નવી થાપણો સ્વીકારવી અથવા કોઈપણ મિલકતનું વેચાણ કરી શકશે નહીં. બેંકને હાલ પૂરતા સેવિંગ્સ, કરન્ટ અથવા અન્ય કોઈપણ ડિપોઝિટ ખાતામાંથી ઉપાડ કરવાની મંજૂરી ન આપવા સૂચના આપવામાં આવી છે. જોકે, RBI દ્વારા નિર્ધારિત શરતોને આધીન, બેંક થાપણો સામે લોનનું એડજસ્ટમેન્ટ કરી શકે છે.

RBIએ  સ્પષ્ટતા કરી છે કે બેંક સ્ટાફનો પગાર, ભાડું અને વીજળીના બિલ જેવા આવશ્યક ખર્ચાઓ કરવાનું ચાલુ રાખી શકે છે. આરબીઆઈએ જણાવ્યું કે, બેંકના બોર્ડ અને મેનેજમેન્ટ સાથે વારંવારની ચર્ચાઓ છતાં તેની કામગીરી અને નાણાકીય શિસ્તમાં પૂરતો સુધારો ન આવતા આ પગલું લેવામાં આવ્યું છે. થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી ₹5 લાખ સુધીનો વીમો મેળવવા માટે પાત્ર છે, જે જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને સંમતિ ફોર્મ સબમિટ કર્યા પછી મળશે.  

આ ઉપરાંત RBI એ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રતિબંધોનો અર્થ બેંકનું લાઇસન્સ રદ કરવું તેવો નથી. બેંક લાદવામાં આવેલી શરતો હેઠળ કાર્ય કરવાનું ચાલુ રાખશે અને RBI બેંકની નાણાકીય કામગીરીના આધારે સ્થિતિની સમીક્ષા કરશે. આ પ્રતિબંધો 11 માર્ચ, 2026 થી આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.