Mon Jun 08 2026

Logo

નોટબંધી પછી પણ 2,000 રુપિયાની ૯૮.૪૫ ટકા નોટ પાછી આવીઃ આરબીઆઇ

2026-04-01 21:22:03
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ દેશમાં ચલણમાં રહેલી ૨૦૦૦ રૂપિયાની ૯૮.૪૫ ટકા નોટો પાછી આવી ગઇ હોવાનું ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઇ)એ જણાવ્યું હતું.

કેન્દ્રીય બેંકે ૧૯ મે, ૨૦૨૩ના ચલણમાંથી રૂા. ૨૦૦૦ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ જણાવ્યું કે ચલણમાં રહેલી રૂા. ૨૦૦૦ની નોટોનું કુલ મૂલ્ય ૧૯ મે, ૨૦૨૩ના રોજ(જ્યારે નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી) કારોબાર બંધ થવાના સમયે ૩.૫૬ લાખ કરોડ રૂપિયા હતું. તે ૩૧ માર્ચ, ૨૦૨૬ના રોજ કારોબાર બંધ થવા સમયે ઘટીને ૫,૫૦૧ કરોડ રૂપિયા થઇ ગયું હતું.

બેંકે કહ્યું કે આ રીતે ૧૯ મે, ૨૦૨૩ સુધી ચલણમાં રહેલી રૂા. ૨૦૦૦ની નોટોમાંથી ૯૮.૪૫ ટકા નોટો અત્યાર સુધીમાં પાછી આવી ગઇ છે. ૧૯ મે, ૨૦૨૩થી રિઝર્વ બેંકની ૧૯ ઇસ્યૂ ઓફિસોમાં રૂા. ૨૦૦૦ની નોટો બદલવાની સુવિધા ઉપલબ્ધ છે. 
નવમી ઓક્ટોબર, ૨૦૨૩થી આરબીઆઇની ઇસ્યૂ ઓફિસો વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી ર૦૦૦ રૂપિયાની નોટો તેના બેંક ખાતામાં જમા કરાવવા માટે પણ સ્વીકારી રહી છે.

ઉપરાંત આરબીઆઇએ એક પ્રકાશનમાં જણાવ્યું કે સામાન્ય લોકો દેશની કોઇપણ પોસ્ટ ઓફિસમાંથી ઈન્ડિયા પોસ્ટ દ્વારા રૂા. ૨૦૦૦ની નોટો આરબીઆઇની કોઇ પણ ઇસ્યૂ ઓફિસમાં મોકલી રહ્યા છે, જેથી કરીને રકમ તેમના બેંક ખાતામાં જમા થઇ શકે. કેન્દ્રીય બેંકે વધુમાં કહ્યું કે રૂા. ૨૦૦૦ની નોટ કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે.