નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિરમાં દાનની કથિત ચોરી મામલે ગંભીર આક્ષેપો વચ્ચે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને રામ મંદિરના પ્રારંભિક કાર્યક્રમના મુહૂર્ત અને ફંડ મેનેજમેન્ટથી લઈને દાન ચોરીને સુધી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે દેશની જનતાની માફી માંગવાની અને સમગ્ર ટ્રસ્ટને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવાની માંગ કરી છે.
વોટ બેંક માટે શંકરાચાર્યની વાત ન માની હોવાનો આક્ષેપ
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, "હિન્દુ ધર્મ અને સનાતન પરંપરામાં શંકરાચાર્યનો આદેશ આખરી માનવામાં આવે છે. જ્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે પૂજ્ય શંકરાચાર્યજીએ સ્પષ્ટ કહ્યું હતું કે, અત્યારે મુહૂર્ત યોગ્ય નથી અને મંદિરનું નિર્માણ અધૂરું છે, ત્યારે ભાજપે માત્ર ચૂંટણીના ફાયદા અને વોટ મેળવવા માટે તેમની વાતોને ફગાવી દીધી હતી. આ લોકોને ન તો હિન્દુ ધર્મ સાથે કોઈ લેવાદેવા છે, ન રામ સાથે કે ન શંકરાચાર્ય સાથે."
દરરોજ 10 લાખની હેરાફેરીનો આક્ષેપ
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવતી દાનરાશિમાં મોટા પાયે કૌભાંડ થઈ રહ્યું છે. શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો કે, "અયોધ્યા રામ મંદિરના 40 દિવસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં 70 વખત ચોરીની ઘટનાઓ નજરે પડી છે. વર્ષ 2023થી 2025 સુધીના ઓડિટ રિપોર્ટમાં પણ લખાયું છે કે મંદિરમાં ચઢાવાની ચોરી થઈ રહી છે. જ્યાં સુધી આ ચોરીનો ખુલાસો નહોતો થયો, ત્યાં સુધી રોજનું દાન આશરે 16થી 18 લાખ રૂપિયા જમા થતું હતું. પરંતુ જેવો આ ખુલાસો થયો, તે જ દિવસથી દાનની રકમ વધીને દરરોજ 24થી 26 લાખ રૂપિયા થઈ ગઈ. આ સાબિત કરે છે કે દરરોજ અંદાજે 10 લાખ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી રહી હતી."
सनातन में शंकराचार्य जी का आदेश आखिरी माना जाता है।
— Congress (@INCIndia) July 8, 2026
शंकराचार्य जी ने कहा था कि राम मंदिर में कार्यक्रम के लिए मुहूर्त ठीक नहीं है, लेकिन BJP ने चुनावी लाभ के लिए बात नहीं मानी।
सच्चाई ये है कि BJP के नेता भगवान के नाम पर अपनी रोटी सेकते हैं।
हर राम मंदिर में पूरा राम दरबार… pic.twitter.com/IDhrM64wPn
સાંસદે મૂર્તિના રંગ અને રામ દરબાર અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. કહ્યું કે, ‘સામાન્ય રીતે રામ મંદિરોમાં લક્ષ્મણજી અને જાનકી માતા સાથેનો આખો 'રામ દરબાર' હોય છે. પરંતુ આ એવું પ્રથમ મોટું મંદિર બન્યું જ્યાં સીતા માતાને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. વળી, કરોડો ગરીબ નાગરિકોએ પેટ કાપીને આ મંદિર માટે જે દાન આપ્યું હતું, તેની ચોરી ક્યારેય માફ કરી શકાય નહીં’.
'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ને બરખાસ્ત કરવાની માંગણી
કોંગ્રેસે આ સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માંગ કરી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, વર્તમાન ટ્રસ્ટને બરખાસ્ત કરીને તમામ શંકરાચાર્ય, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, નિર્મોહી અખાડાના પ્રતિનિધિઓ અને સંતોની આગેવાનીમાં પારદર્શક નવા ટ્રસ્ટની રચના કરવામાં આવવી જોઈએ. આ સાથે પૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાયની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી પણ કોંગ્રેસે માંગણી કરી છે.