Wed Jul 08 2026

Logo

પશ્ચિમ બંગાળમાં 'યુપી મોડલ': રેપ-મર્ડર કેસના આરોપીનું એન્કાઉન્ટર, 12 વર્ષની બાળકી સાથે કર્યું હતું દુષ્કર્મ

2026-07-08 17:32:43
Author: Vimal Prajapati
Article Image

કોલકાતા: ઉત્તર પ્રદેશના માફક પશ્ચિમ બંગાળમાં એક પોલીસ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. બંગાળના બારુઈપુરમાં સગીરા પર દુષ્કર્મના આરોપીનું પોલીસ કથિત એન્કાઉન્ટર કર્યું છે. આ કેસના મુખ્ય આરોપી પ્રભાસ મંડલનું મંગળવારે મોડી રાત્રે પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ બારુઈપુર પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનાની તપાસના ભાગરૂપે મંગળવારે મોડી રાતના આશરે 12:45 વાગ્યે તપાસ અધિકારીઓ આરોપી પ્રભાસ મંડલને સૂર્યપુર સ્થિત ઘટનાસ્થળે લઈ ગયા હતા ત્યાં ગુનાનું ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી.

આત્મરક્ષામાં પોલીસે વળતો ગોળીબાર કર્યો

રિકન્સ્ટ્રક્શન વખતે આરોપી પ્રભાસ મંડલે અચાનક એક પોલીસકર્મીની રાઈફલ આંચકી લીધી હતી અને ત્યાંથી નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીએ પોલીસ ટીમ પર એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આત્મરક્ષામાં પોલીસે વળતો ગોળીબાર કર્યો, જેમાં પ્રભાસ મંડલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે બારુઈપુર સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

CCTV ફૂટેજના આધારે થઈ હતી ધરપકડ

આ ચકચારી કેસની તપાસ દરમિયાન પોલીસને એક મહત્વપૂર્ણ સીસીટીવી વીડિયો હાથ લાગ્યાં હતાં, જેમાં પ્રભાસ મંડલ પીડિત બાળકી સાથે જતો જોવા મળ્યો હતો. આ મજબૂત પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. કડક પૂછપરછ દરમિયાન મળેલી કડીઓને આધારે પોલીસે કોથળામાં બંધ પીડિતાનો મૃતદેહ રિકવર કર્યો હતો. જોકે, પ્રભાસ વારંવાર પોતાના નિવેદનો બદલીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કેસમાં પોલીસે વધુ એક આરોપી કબીર મોલ્લાની પણ ધરપકડ કરી લીધી છે. આ સાથે જ આ જઘન્ય અપરાધમાં કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

શુભેન્દુ અધિકારીએ આપ્યો હતો કડક આદેશ

બારુઈપુરની આ ઘટનાને પગલે મુખ્ય પ્રધાન શુભેન્દુ અધિકારીએ પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. તેમણે DGPને 72 કલાકની અંદર તપાસમાં નક્કર પ્રગતિ લાવવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. મુખ્ય પ્રધાને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો તપાસમાં પોલીસ તરફથી કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે, તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આ કડક વલણ વચ્ચે જ ગઈરાત્રે આ એન્કાઉન્ટરની ઘટના ઘટી છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે વિવાદ ઊભો થઈ રહ્યો છે, જેમાં અમુક લોકોએ ઘટનાને વખોડી નાખી હતી, જ્યારે અમુક લોકોએ યુપી મોડલનું બંગાળમાં પણ દુષ્કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.