કોલકાતા : પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીને આંચકો લાગ્યો છે. જેમાં ઇડીએ હવે ટીએમસી સાથે જોડાયેલા ત્રણ બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. આ એકાઉન્ટમાં સંયુક્ત રીતે રૂપિયા 440 કરોડ છે. ઇડીએ આ કાર્યવાહી પીએમએલએ એક્ટ હેઠળ કરી છે. આ અંગે ઇડીએ કોલકાતામાં પાર્ટીના શંકાસ્પદ વ્યવહારોની અને ચાર્ટર્ડ ફ્લાઇટ્સ સંબંધિત ખર્ચની તપાસ માટે અનેક સ્થળોએ દરોડા પાડયા હતા.
ખાતામાં રૂપિયા 160 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા
આ અંગે અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એપ્રિલ 2023 થી જૂન 2026 દરમિયાન ટીએમસીના બેંક ખાતાઓમાંથી 'કેરવેલ એવિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ' અને તેના સહયોગી એકમના ખાતાઓમાં આશરે રૂપિયા 160 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ રકમનો ઉપયોગ કોર્પોરેટ જેટ અને હેલિકોપ્ટર ખરીદવા માટે કર્યો
તેમજ ત્યારબાદ વર્ષ 2023 થી 2026 દરમિયાન કંપનીએ રૂપિયા 82.96 કરોડની બીજી નોંધપાત્ર રકમ એક નવી કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ તપાસમાં આગળ ખુલાસો થયો કે આ કુલ રકમમાંથી રૂપિયા 112 કરોડનો ઉપયોગ 'એમ્બ્રેર લેગસી 600' કોર્પોરેટ જેટ અને 'અગસ્તા વેસ્ટલેન્ડ 109SP' હેલિકોપ્ટર ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
બંને વિમાનો ટીએમસીને પાછા લીઝ પર આપવામાં આવ્યા
જેમાં વિદેશથી મળેલા ભંડોળનો ઉપયોગ હેલિકોપ્ટર ખરીદી માટે પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર રકમનો સ્ત્રોત સીધો ટીએમસી બેંક ખાતામાં હતા. તેની બાદ આ બંને વિમાનો ટીએમસીને પાછા લીઝ પર આપવામાં આવ્યા હતા.
ટીએમસીમાં આંતરિક વિવાદ બાદ ખાતાની તપાસની માંગ ઉઠી હતી
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદ ટીએમસીમાં આંતરિક વિવાદ બાદ બળવાખોર ધારાસભ્યોએ પાર્ટીના તિજોરીમાં જમા થયેલા ભંડોળના સ્ત્રોતની તપાસની માંગ કરી હતી. જેની બાદ કોલકાતા પોલીસે ટીએમસીના ત્રણ બેંક ખાતાઓમાંથી નાણાકીય વ્યવહારો અને ઉપાડ સ્થગિત કરી દીધા હતા. મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના જૂથે આ કાર્યવાહી સામે કોલકાતા હાઇકોર્ટમાં અરજી કરી હતી.