(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં હનીટ્રેપના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો. હિંડોરણા ગામ નજીક એક વ્યક્તિને અવાવરુ જગ્યાએ લઈ જઈ એક મહિલા સાથે પરિચય કરાવી ફસાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓએ ત્યાં પહોંચી ફરિયાદીને મહિલા સાથેના અશ્લીલ વીડિયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. આ ટોળકીએ ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને પ્રારંભમાં બળજબરીપૂર્વક રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન પડાવી લીધા હોવાનો આક્ષેપ થયો હતો.
ફરિયાદીએ હિંમત દાખવી રાજુલા પોલીસનો સંપર્ક કરતા પી.આઈ. વિજય કોલાદ્રાની ટીમે તુરંત એક્શન પ્લાન બનાવી ટ્રેપ ગોઠવી હતી. પોલીસના ગુપ્ત ઓપરેશન દરમિયાન મહિલા સહિત 3 આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, બાઈક અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડાએ રાજુલા પોલીસની આ સફળતાને બિરદાવી નાગરિકોને આવા કિસ્સામાં ડર્યા વગર પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.
આ ઘટનામાં આરોપી કરણભાઈ દંતૂભાઈ પટાડ, લખમણભાઈ વાલેરાભાઈ પટાડ, જીતુ રાઘવભાઈ ચૌહાણ, દેસુરભાઈ વાલેરાભાઈ પટાડ અને સમીનાબેન સુલેમાનભાઈ સેલોદ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે પૈકી ત્રણ આરોપીને પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.