Tue Oct 20 2026

Logo

રાજકોટમાં એક સંસ્થા દ્વારા તિલક લગાવીને અપાશે ગરબા મહોત્સવમાં પ્રવેશ, પોલીસને કરાઈ લેખિત રજૂઆત

2026-09-12 20:07:02
Author: Mumbai Samachar Team
રાજકોટમાં એક સંસ્થા દ્વારા તિલક લગાવીને અપાશે ગરબા મહોત્સવમાં પ્રવેશ, પોલીસને કરાઈ લેખિત રજૂઆત

રાજકોટઃ ગણેશ ચતુર્થી બાદ ગુજરાતની ઓળખસમો તહેવાર નવરાત્રિ શરૂ થવાનો છે. આ માટેની તૈયારીઓ પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે. ખેલૈયાઓએ ગરબાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. નવરાત્રિ ઉત્સવના નવ દિવસ દરમિયાન પાર્ટીપ્લોટ ગરબના સ્થળે બહેન-દીકરીઓની સુરક્ષાને લઈ રાજકોટની હિન્દુ સ્વરાજ સેના મેદાને ઊતરી છે. તહેવારના દિવસોમાં અસામાજિક અને ગેરકાયદે પ્રવૃતિઓને ડામવા માટે હિન્દુ સ્વરાજ સેના દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને એક રજૂઆત કરવામાં આવી છે. લેખિત રજૂઆતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોલીસ તરફથી પણ પુરતી સૂરક્ષા વ્યવસ્થા મળી રહે. 

પોલીસને અપીલ કરવામાં આવી

પોલીસને કરવામાં આવેલી રજૂઆતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, નોરતા એ માતાજીની આસ્થા અને ભક્તિનો ઉત્સવ છે. હાલના સમયમાં ગરબાના આયોજનમાં કોઈ અનિચ્છનીય પ્રવૃતિ ન થાય એ માટે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવે. ખાસ કરીને વિધર્મી યુવાનો આ તહેવાર દરમિયાન પ્રેમજાળમાં ફસાવીને લવ જેહાદ જેવી પ્રવૃતિ ન આચરે એ માટે ખાસ ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ગરબા સ્થળોએ ગેરરીતે પ્રવેશ કરીને યુવતીઓ સાથે છેડછાડ, હેરાનગતિ કે અન્ય ગેરપ્રવૃત્તિઓ ન થાય તે માટે આયોજકો અને પોલીસ દ્વારા પૂરતી સુરક્ષા આપવામાં આવે અને ખાસ વૉચ પણ રાખવામાં આવે. સંસ્થાના અગ્રણી મંગેશભાઈ એ જણાવ્યું હતું કે, સંસ્થાનો હેતું મહિલા સુરક્ષાનો છે. આ વખતે ગરબાના સ્થળે પ્રવેશદ્વાર પાસે જ આધારકાર્ડ કે અન્ય આઈડી કાર્ડની તપાસ કરવામાં આવશે. આ ચેકિંગ ફરજિયાત છે. પૂરતો પોલીસ બંદોબસ્ત પણ થશે. આ ઉપરાંત સંસ્થા દ્વારા આયોજક તરફથી પ્રવેશદ્વારે તિલક કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પણ સુરક્ષાને લઈને એક ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવે એવી પણ અપીલ કરવામાં આવી છે. 

નોરતાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થશે

રાજકોટમાં પાર્ટીપ્લોટ ગરબા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ ખેલૈયાઓએ પણ જે તે વિસ્તારમાં ગરબા ક્લાસમાં પ્રેક્ટિસ ચાલું કરી દીધી છે. આવનારા એકાદ અઠવાડિયામાં રાજકોટની માર્કેટમાં નોરતા માટેના ખાસ ડ્રેસિંગ અને એકથી એક ચડિયાતા ચણિયાચોલીની માર્કેટ પણ શરૂ થશે. આ વખતે ગામઠી ડ્રેસની અત્યારથી બોલબાલા છે. જ્યારે એસેસરીમાં લેડીઝ બ્રેસલેટ અને કડાની ફેશન ધ્યાન ખેંચી શકે એમ છે. બીજી તરફ ગણેશ વિસર્જન પછીના સમયમાં માર્કટમાં એકથી એક બેસ્ટ અને આર્ટવર્ક વાળા ગરબા પણ જોવા મળશે. માટીના મસ્ત ગરબાથી લઈને મોતીથી ડેકોરેટ ગરબાની માર્કેટ પણ ખુલશે.