Mon Aug 17 2026

Logo

રાજકોટના ફલકું ડેમમાં ત્રણ બાળક સહિત યુવાનનું  ડૂબી જવાથી મોત, જન્મદિનની ખુશી માતમમાં ફેરવાઈ

2026-08-16 19:55:25
Author: Pooja Shah
Article Image

રાજકોટ: શહેરની ભાગોળે આવેલા બેડી ગામથી હડમતીયા તરફ વીડીવાળા પીરની દરગાહ નજીક આવેલા ઘૂનામાં ડૂબી જવાથી ચાર લોકોના કરૂણ મોતની ઘટના બની હતી. આ ઘટનામાં 5 વર્ષીય બાળક ડૂબવા લાગતાં તેને બચાવવા ગયેલા અન્ય ત્રણ પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીમાં ડૂબેલા બાળકો તથા યુવાન સહિત ચારેય લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બાદમાં પોલીસ અને અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તમામ મૃતદેહોને જરૂરી કાર્યવાહી માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, પરિવારના લોકો વીડીવાળા પીરની દરગાહે ગયા હતા. દર્શન કર્યા બાદ કેટલાક લોકો નજીક આવેલા ઘૂનામાં નહાવા પડ્યા હતા. આ દરમિયાન સૈફુ સોરા, ઉંમર 5 વર્ષ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે અન્ય લોકો પાણીમાં ઉતર્યા હતા. જોકે, સૈફુને બચાવવાનો પ્રયાસ કરનાર અન્ય ત્રણ લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ કરૂણ ઘટનામાં સોહન સોરા, (ઉંમર 10 વર્ષ), સૈફુ સોરા, (ઉંમર 5 વર્ષ), અલીફા સોરા, (ઉંમર 10 વર્ષ) અને સાહિલ સોરરા, (ઉંમર 18 વર્ષ)ના મોત થયા હતા.

મૃતકો પૈકી સોહન અને સૈફુ સગા ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય બે મૃતક પણ પરિવાર સાથે સંકળાયેલા છે. આ ઘટનાની સૌથી કરૂણ બાબત એ છે કે મૃતક સોહનનો 16 ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો. જન્મદિવસની ખુશીનો દિવસ પરિવાર માટે જોતજોતામાં માતમમાં ફેરવાઈ ગયો હતો.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને ચારેય લોકો કયા સંજોગોમાં ઘૂનામાં ડૂબ્યા હતા તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.