જ્યોતિષશાસ્ત્રમાં પંચકને એવો સમય માનવામાં આવે છે જેમાં અમુક ચોક્કસ કાર્યો કરવાથી નુકસાન કે અશુભ ફળ મળવાની શક્યતા રહેલી હોય છે. વર્ષ 2026માં માર્ચ મહિનામાં પંચક લાગવા જઈ રહ્યું છે અને આ વખતે પંચકનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે કારણ કે તે ચૈત્ર નવરાત્રી સાથે સંકળાયેલો છે. આવી સ્થિતિમાં શું ચૈત્રી નવરાત્રિ પર કે ગુડી પડવા પર આ પંચકની કેવી અને કેટલી અસર જોવા મળશે, એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે. ચાલો જાણીએ ક્યારથી લાગશે પંચક અને આ સમયે કયા શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ-
રાજ પંચક 2026: ક્યારથી ક્યાં સુધી?
જ્યારે સોમવારથી પંચક શરૂ થાય છે, ત્યારે તેને 'રાજ પંચક' કહેવામાં આવે છે. રાજ પંચક સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે અને તે સરકારી કામો કે મિલકત સંબંધિત કામોમાં સફળતા અપાવે છે, તેમ છતાં પરંપરાગત રીતે અમુક કાર્યોની મનાઈ હોય છે.
પ્રારંભ: 16મી માર્ચ, 2026 (સોમવાર)ના સાંજે 06.14 વાગ્યે.
સમાપ્તિ: 21મી માર્ચ, 2026 (શનિવાર)ના વહેલી પરોઢે 02.27 વાગ્યે.
ચૈત્ર નવરાત્રી પર પંચકની અસર
2026માં ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ 19મી માર્ચથી થઈ રહ્યો છે અને પંચક 21મી માર્ચ સુધી હોવાથી નવરાત્રીની ઘટસ્થાપના પંચક કાળમાં જ થશે. આનો સીધેસીધો અર્થ એવો થાય છે કે નવરાત્રીના શરૂઆતના ત્રણ દિવસ પંચકની અસરમાં રહેશે. જોકે, દેવીની આરાધના અને પૂજા-પાઠમાં પંચક નડતું નથી, પરંતુ અન્ય માંગલિક કાર્યોમાં સાવધાની રાખવી જરૂરી છે.
પંચકને કેમ અશુભ માનવામાં આવે છે?
પંચકને કેમ અશુભ માનવામાં આવે છે અને તે ક્યારે લાગે છે એ વિશે વાત કરીએ તો જ્યારે ચંદ્રમા ધનિષ્ઠા (અંતિમ ચરણ), શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રમાં ભ્રમણ કરે છે, ત્યારે પંચક લાગે છે. આ સમયે ચંદ્રની ઉર્જા અસ્થિર હોય છે. વાયુ તત્વનો પ્રભાવ વધુ હોવાથી આ સમયમાં શરૂ કરેલા કાર્યોમાં અવરોધ આવવાની શક્યતા રહે છે.
પંચકમાં કયા કાર્યો કરવાથી તમારે બચવું જોઈએ?
આપણા શાસ્ત્રોમાં પંચક દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે, કારણ કે તે શુભ માનવામાં આવતું નથી. ચાલો એક નજર કરીએ કે આખરે પંચક દરમિયાન તમારે કયા કાર્યો કરવાથી બચવું જોઈએ.
શાસ્ત્રોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પંચક દરમિયાન મકાનનું ધાબું ભરવું અશુભ માનવામાં આવે છે. આ સિવા. ઘાસ, લાકડું કે બળતણ એકઠું કરવાનું ટાળવું જોઈએ પંચકમાં દક્ષિણ દિશા તરફ મુસાફરી કરવી અશુભ માનવામાં આવે છે કારણ કે તે યમની દિશા છે. પંચક દરમિયાન નવો ખાટલો કે પલંગ પણ બનાવવો ન જોઈએ.
મોસ્ટ ઈમ્પોર્ટન્ટલી જો પંચકમાં કોઈનું મૃત્યુ થાય, તો અંતિમ સંસ્કાર વખતે વિશેષ 'પંચક શાંતિ' કરાવવી જરૂરી છે. આ સિવાય આ સમયગાળા દરમિયાન લગ્ન માટે છોકરો-છોકરી જોવા કે નવા વ્યવસાયની શરૂઆત કરવાનું ટાળવું જોઈએ.