નવી દિલ્હી: ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લાખો લોકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં જોવા મળી રહેલી એલપીજી (LPG)ના સિલિન્ડરની અછતને કારણે હવે રેલવેની ખાનપાન સેવાઓ ખોરવાઈ રહી છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) માટે ટ્રેનોમાં સમયસર અને ગુણવત્તાયુક્ત ભોજન પૂરું પાડવું એક મોટો પડકાર બની ગયો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રેલવે વહીવટી તંત્ર દ્વારા કેટલાક કડક અને વૈકલ્પિક નિર્ણયો લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
વર્તમાન સંકટને જોતા રેલવે વિભાગ ટ્રેનોમાં અસ્થાયી ધોરણે રાંધેલું ગરમ ભોજન પીરસવાનું બંધ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે, જે મુસાફરોએ પોતાની ટિકિટ બુકિંગ વખતે જ ભોજનના પૈસા ચૂકવી દીધા છે, તેમને રેલવે દ્વારા રિફંડ આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર IRCTC એ તમામ કેટરિંગ લાયસન્સધારકોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ કોઈ પણ અવરોધ વગર ભોજન પૂરું પાડવા માટે તાત્કાલિક અસરથી 'કન્ટિન્જન્સી પ્લાન' એટલે કે વૈકલ્પિક વ્યવસ્થા લાગુ કરે.
રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ ગેસની અછતની સૌથી વધુ અસર IRCTCના બેઝ કિચન પર પડી રહી છે. આ બેઝ કિચનમાં જ ટ્રેનો માટે મોટા પાયે ભોજન તૈયાર કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને પેન્ટ્રી કારમાં લોડ કરવામાં આવે છે. પેન્ટ્રી કારનો ઉપયોગ મુખ્યત્વે ફૂડ ગરમ કરવા અને વિતરણ માટે થાય છે, ત્યાં સામાન્ય રીતે ગેસ સિલિન્ડર રાખવામાં આવતા નથી, પરંતુ મુખ્ય રસોડામાં જ ખોરાક તૈયાર કરવામાં મુશ્કેલી પડતા હવે લાંબા અંતરની મેલ/એક્સપ્રેસ ટ્રેનોના મુસાફરોને ભોજન મળવામાં વિલંબ થઈ શકે છે.
IRCTCએ 10 માર્ચે એક સત્તાવાર પત્ર જાહેર કરીને રેલવે સ્ટેશનો પર આવેલા ફૂડ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ અને જન આહાર આઉટલેટ્સને પણ એલર્ટ કરી દીધા છે. સૂચના મુજબ, જો એલપીજીની અછત વર્તાય તો રસોઈ બનાવવા માટે વૈકલ્પિક બળતણ અથવા અન્ય પદ્ધતિઓ અપનાવવી જેથી મુસાફરોને ભૂખ્યા ન રહેવું પડે. રેલવેનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની અગવડતા ઘટાડવાનો છે, પરંતુ ગેસની તીવ્ર અછતને જોતા આગામી દિવસોમાં રેલવે મેનૂમાં પણ મોટા ફેરફારો જોવા મળી શકે છે.