Sat May 16 2026

Logo

RSS-BJP અને વાઇસ ચાન્સેલરોનું 'મની મેકિંગ નેક્સસ'! NEET પેપર લીક વચ્ચે રાહુલ ગાંધીનો દાવો

2026-05-16 18:33:44
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ NEET પેપર લીક મામલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રાત-દિવસ મહેનત કરી રહેલા 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ પેપર લીકને કારણે બરબાદ થઈ ગયું છે. આખો દેશ જાણે છે કે પરીક્ષાના બે દિવસ પહેલા જ વોટ્સએપ પર પરીક્ષાનું પેપર વહેંચવામાં આવી રહ્યું હતું.

આટલી મોટી ગેરરીતિ છતાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમાં તેમનો કોઈ વાંક નથી. વધુમાં, શિક્ષણ પ્રધાને વિપક્ષી સભ્યો હોવાનું કહીને કમિટીની ભલામણોને પણ કચરાપેટીમાં ફેંકી દીધી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે આને દેશની શિક્ષણ પ્રણાલીના મૂળ પર સીધો પ્રહાર ગણાવ્યો હતો.

RSS સાથે જોડાયેલાને જ વાઇસ ચાન્સેલર બનાવ્યા 

રાહુલ ગાંધીએ આ સમગ્ર મામલાને પૈસા કમાવવાનું એક મોટું ષડયંત્ર (નેક્સસ) ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે RSS, ભાજપ અને યુનિવર્સિટીઓમાં બેસાડવામાં આવેલા વાઇસ ચાન્સેલરો અને પ્રોફેસરો વચ્ચે સાંઠગાંઠ છે, જેણે દેશની શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરી નાખી છે. તેમણે સીધો આરોપ લગાવ્યો કે આજે વાઇસ ચાન્સેલર બનવા માટે વિષયના જ્ઞાન કે અનુભવની કોઈ જ જરૂર નથી, માત્ર RSS ની વિચારધારા ધરાવવી પૂરતી છે. જો તમે RSS સાથે જોડાયેલા નથી, તો તમે દેશમાં વાઇસ ચાન્સેલર બની શકતા નથી.

અત્યાર સુધીમાં 80 વખત પેપર લીક થયા

દેશમાં વારંવાર થઈ રહેલા પેપર લીકના બનાવો અંગે આક્રોશ વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ જ કારણોસર દેશમાં અત્યાર સુધીમાં 80 વખત પેપર લીક થયા છે અને 2 કરોડથી વધુ યુવાનોનું ભવિષ્ય રોળાયું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે હસ્તક્ષેપની માંગ કરતા કહ્યું કે આ મામલે તાત્કાલિક ઓડિટ થવું જોઈએ.

આ ઉપરાંત, નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ અથવા તો તેમને તાત્કાલિક પદ પરથી હટાવી દેવા જોઈએ, અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ.