Fri Sep 04 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો પ્રકરણ - 27

2026-08-30 08:20:00
Author: Anil Rawal
વ્હેંત છેટો મોતનો ઓછાયો પ્રકરણ - 27

રાધાએ મન પર છવાયેલું ધુમ્મસ વિખેરવા એક ઊંડો શ્વાસ લઈને છોડ્યો તોય થોડી ભીની સંવેદના રહી ગઈ હતી.

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

રાઘવે બાઇક બેજલમેડના બસસ્ટૅન્ડ તરીકે ઓળખાતા ખુલ્લા મેદાનના એક ખૂણામાં ઊભેલા વયોવૃદ્ધ ઘટાદાર પીપળાના ઝાડ નીચે ઊભું રાખ્યું. થોડીવાર બંને ચૂપ રહ્યાં. ગુપ્તાજીના મોતના પ્રચંડ આઘાતે બંનેને મૌન કરી દીધાં હતાં. શું બોલવું? ક્યાંથી શરૂ કરવું? વિચારોનું ધસમસતું પૂર શબ્દો અને વાચાને ઢસડીને ક્યાંક લઈ ગયું હતું. જ્યારે કાંઈ સૂઝે નહીં ત્યારે એકદમ ફાલતુ વિષય છેડવો કદાચ ફાયદેમંદ સાબિત થતો હોય છે.      

‘ચા પીવી છે?’ રાઘવની કસમયની સાવ બેહૂદી વાતથી અનાયાસે રાધાના સંવેદનશીલ તાર છેડાઈ ગયા. ચા શબ્દ સાંભળીને રાધાને તપેલાની ધાર પર કળછો પછાડતાં પુરોહિતની યાદ આવી... માટીના કુલ્હડમાં ચા આપતી વખતનો એમનો ચહેરો સપાટી પર આવ્યો. રાધાએ પુરોહિતને કામની ઑફર કરી ત્યારે એણે કહેલું: કામ ગેરકાનૂની હોય તો મારી પાસે ચા પીવા પણ નહીં આવતા. રાધાએ મસાલા ચા વેચનારા પુરોહિતની ઇમાનદારી અને ખુમારીને મનોમન સલામ કરી.

‘પહેલા પુરોહિતનું મર્ડર અને હવે ગુપ્તાજીનું....’ રાધા બોલી ઊઠી.

‘ગુપ્તાજીના મર્ડરની કોઈ નિશાની, કોઈ પુરાવો પણ નથી’ રાઘવે કહ્યું.

‘એ જ મોટો પુરાવો છે કે મર્ડર ઝેર આપીને કરાયું છે. પુરોહિતને અપાયું હતું એ રીતે...’ રાધાએ કહ્યું.

‘તારો કહેવાનો મતલબ છે કે પ્રસાદમાં ઝેર...?’ રાઘવે પૂછ્યું.

‘પ્રસાદ સિવાય બીજી કોઈ રીતે ખવડાવ્યું હોઈ શકે. આપકા સામાન તૈયાર હૈ એવો કૉલ આવ્યો પછી ગુપ્તાજી અને પેલા માણસ વચ્ચે એવું શું બન્યું હશે...?’ રાધા બોલી.
*******
‘અંદર ચલો,’ અમરબાબુએ કહ્યું. ગુપ્તાજી કોઠારમાં ગયો. પાછળ અમરબાબુ ગયો.

‘ડરો મત ભાઈ, મૈં શંકર કા દોસ્ત હું. શંકર કહાં હૈ બસ ઇતના બતા દો...’ અમરબાબુએ ઠંડી આગ ઓકતાં અવાજે કહ્યું.

‘નહીં માલુમ, બાહર ગયા... અબતક વાપસ નહીં આયા.’ ગુપ્તાજી ધ્રૂજતા પગે અનાજની મોટી ગૂણી પર બેસી પડ્યા.

‘માલુમ નહીં કિ બતાના નહીં ચાહતે?’ એક નાનો પોઝ લઈને બોલ્યો: ‘બતા દોગે તો બચ જાઓગે.’

મોત એક વ્હેંત છેટું હતું. સામેનો માણસ સ્કેચમાં દેખાતો હતો એના કરતાં વધુ ક્રૂર લાગતો હતો. જીવ બચી જાય તો મોત જોજનો દૂર થઈ જાય. ગુપ્તાજીએ જીવ બચાવવાની લાલચમાં ખોટું બોલવાનું વિચાર્યું.

‘સચ બોલુ તો મુઝે બક્ષ દોગે?’ ગુપ્તાજીને થયું કે કોઈએ એનું ગળું દબાવી રાખ્યું છે અને પોતે મહામુસીબતે બોલી રહ્યા છે. બક્ષ દોગે શબ્દોમાં ડૂબતા માણસ માટેનો એ નાનો-સો તરાપો હતો ને એમાં જિજીવિષા તરતી હતી.

‘તુમ્હારે સચ મેં વજન હોના ચાહિયે’ અમરબાબુએ ત્યાં પડેલું પાંચ કિલોનું વજનિયું ઉપાડતાં કહ્યું.

‘કલ એક આદમી મુંહ પર મફલર બાંધે બાઇક પર આયા. શંકર શાયદ ઉસે પહેચાનતા થા. બાઇક પર બૈઠે હુએ હી ઉસને કહા, ચલો શંકર રબડી ખાને. શંકર ઉસકે સાથ ચલા ગયા. ઇસ કે બાદ વાપસ નહીં આયા.’ ગુપ્તાજીની સચ્ચાઈમાં ભારોભાર જૂઠ હતું કે એમના જૂઠમાં ભારોભાર સચ્ચાઈ... ફેંસલો અમરબાબુએ કરવાનો હતો.

‘પહેલે કભી દેખા હૈ...? જાનતે હો ઉસે...?’ અમરબાબુની અફીણી આંખોના ભારે પોપચાં નીચે ઢળીને પાછાં ઊંચકાયાં. 

‘નહીં, નહીં દેખા. નામ પતા કૂછ માલુમ નહીં.’

‘તુમ્હે શંકર કી ફિકર નહીં હુઈ, તુમ ઉનકે માલિક હો...’

‘મુઝે ચિંતા હૈ. મૈં ઢૂંઢૂગા...’ ગુપ્તાજી બોલ્યા. અમરબાબુ હસ્યો. એના ખડખડાટ હાસ્યમાંથી ગુસ્સો ઝરતો હતો.

‘રબડી કી કૌન સી દુકાન...?’ એણે પૂછ્યું.

‘પતા નહીં, યહાં ચાર-પાંચ દુકાનેં હૈ.’

‘તુમ્હારે ઝૂઠ મેં સચ્ચાઈ હૈ... ઉસમેં કિલો કે બરાબર કા વજન હૈ. શુક્રિયા... લો યે પ્રસાદ ખાઓ.’ અમરબાબુએ ખિસ્સામાંથી એક પ્રસાદનું પૅકેટ કાઢીને પ્રસાદ આપ્યો. પ્રસાદ આપીને ખાલી પૅકેટ ખિસ્સામાં પાછું મૂક્યું. ગુપ્તાજી પ્રસાદની ના પાડવા જેટલા નાસ્તિક નહતા. એમણે પ્રસાદ મોંમાં મૂક્યો. ગુપ્તાજી અમર થઈ જાય ત્યાં સુધી અમરબાબુ ત્યાં જ ઊભો રહ્યો.

રાધા અને રાઘવ હજી બસસ્ટૅન્ડ પર જ ઊભાં હતાં.

‘મારો અંતરાત્મા કહે છે કે તું રબડી ખાવા માટે એકની એક દુકાને નહીં જા,’ રાધા બોલી.

‘ગુપ્તાજીનું મર્ડર થયું છે ને તું મને રબડી ક્યાં ખાવી ને ક્યાં ન ખાવી એ સમજાવે છે?’ રાઘવે મજાક કરી.

‘કેમ તેં મને અહીં આવતાંની સાથે ચા પીવી છે એવો ફાલતુ સવાલ કરેલોને...?’ રાધાએ કહ્યું.

‘તને શું લાગે છે પોલીસ શું કરશે?’ રાઘવે વાત બદલી.

‘પોલીસ જે કરે તે... મને એ ખબર છે કે મારે શું કરવું છે.’

‘શું કરવું છે તારે?’

‘મારે ગુપ્તાજીના મોતનું કારણ જાણવા પોસ્ટમૉર્ટમ કરાવવું છે’ રાધાએ કહ્યું.

‘પુરોહિતનું થયું એ રીતે ગુપ્તાજીનું પોસ્ટમૉર્ટમ શક્ય નથી. મોત ઝેરથી થયું એટલું આપણા માટે પૂરતું છે. રાધા, આપણે પોલીસની ઝંઝટમાં પડવું નહતું એટલે જ મેં તને ત્યાંથી જલદી બહાર કાઢી’ રાઘવે કહ્યું.

‘રાઘવ, હું સમજું છું કે એમ કરવા જતાં આપણી ઓળખ ખુલ્લી પડી જશે, આપણું ઑપરેશન ફ્લૉપ થઈ જશે ને ટેરરિસ્ટસને મોકળું મેદાન મળી જશે.’ રાધા સહેજ અટકીને બોલી: ‘મારે કારણે બે નિર્દોષોના જીવ ગયા... એમનો શું ગુનો હતો?’ રાધાનું ગળું ભરાઈ આવ્યું.

‘રાધા, આપણે બીજા સેંકડો લોકોનો જીવ બચાવવાનો છે,’ રાઘવે રાધાના બેઉ ખભા હચમચાવ્યા. રાધાએ મન પર છવાયેલું ધુમ્મસ વિખેરવા એક ઊંડો શ્વાસ લઈને છોડ્યો... તોય થોડી ભીની સંવેદના રહી ગઈ હતી.

રાધા અને રાઘવ બંને સમજતાં હતા કે ગુપ્ત ઑપરેશનના ભોગે, લાગણીમાં આવી જઈને કોઈ પણ પગલું ભરવું, આત્મઘાતી સાબિત થઈ શકે છે. ગુપ્ત ઑપરેશનની રાહમાં કઈ કેટલાય જીવો બલિદાન આપે છે. આ બલિદાનનો બદલો એટલે જ સફળ ઑપરેશન અને ઑપરેશનની સફળતા એ જ શહીદોની સાચી અંજલિ છે. એ તબક્કે મોતનું કારણ નહીં, ત્રાસવાદીઓના પ્લાનની નાકામિયાબી મહત્ત્વની હતી.

ગુપ્તાજીના કેસના પરિણામની એમને કલ્પના હતી અને એવું જ થયું. પોલીસ તપાસ થઈ. શંકર ગૂમ થયો હોવાનું પણ પોલીસના ધ્યાનમાં આવ્યું. શંકર વિશે લોકોમાં પૂછપરછ થઈ... શંકર છએક મહિનાથી આવ્યો હતો ને ગુપ્તાજીએ એને આશરો આપીને કામ પર રાખ્યો હોવાનું કેટલાક લોકોએ પોલીસને કહ્યું. દુકાનમાંથી પૈસા ગાયબ હતા. અમરબાબુ જે કામ કરવાનું ચૂકી ગયો હતો એ કામ રાઘવે કર્યું હતું. એણે નીકળતાં પહેલાં ગલ્લામાંથી પૈસા કાઢી લીધા હતા. મામલો ચોરીનો બની ગયો. શંકર નામનો શખ્સ માલિકનું મર્ડર કરીને પૈસા લઈને પલાયન થઈ ગયો. રાઘવને આ જ જોઈતું હતું. પોલીસે જોકે પોસ્ટમૉર્ટમ કરાવ્યું. ગુપ્તાજીનું મોત ઝેરથી થયું હોવાનું રિપોર્ટમાં આવ્યું. પોલીસે શંકરની શોધખોળ આદરી. શંકર ક્યારેય મળવાનો નહતો.

અમરબાબુએ રોકાણ વધારી દીધું હતું. શંકર લાપતા હોવાની વાતથી એનું ટેન્શન વધી ગયું હતું. પુરોહિતનું મર્ડર કરીને શંકરનો જીવ બચાવનારો અમરબાબુ શંકરને બીજીવાર જીવતદાન અપાવી શક્યો ન હતો. એણે પોતાનો મકસદ પાર પાડીને શંકર એટલે કે પોતાના દોસ્ત અનવરુલ અઝીઝનો બદલો લેવા કસમ ખાઈ લીધા હતા. દાનપેટીની ચિઠ્ઠી અને અનવરુલના ગુમ થવાથી એ સમજી ચૂક્યો હતો કે કોઈક તો છે જે એના આવતાં પહેલાં અહીં મોજૂદ છે. હવે અમરબાબુના બે મકસદ હતા... એક, ગોપાલેશ્વર પર ઘાતકી હુમલો કરવો અને બે, પોતાના દોસ્તના હત્યારાઓને ખતમ કરવા...

ઝૈનાબ ઑફિસ જવાની તૈયારીમાં હતી. એ થોડી ખુશ હતી, થોડી બેચેન હતી.

અબ્બુ-અમ્મીના કરતૂતો એને ડંખ મારી મારીને બેચેન કરી રહ્યા હતા.  

ખુશ એટલે હતી કે એ જ અબ્બુ-અમ્મીનું તીક્ષ્ણ શસ્ત્ર એના હાથમાં આવી ગયું હતું જેની જાણ આઇબી ચીફને કરીને એ ચેનથી સૂવા માગતી હતી. એટલામાં આઇબી ચીફ રાઠૌડનો સામેથી જ કૉલ આવ્યો.

‘હેલો....’ ઝૈનાબ બોલી.

‘સિર્ફ ઑફિસમેં બૈઠે બૈઠે કામ નહીં ચલેગા, તુમ્હે થોડા બાહર નીકલના હોગા.’

ઝૈનાબ કંઈ પૂછે એ પહેલાં જ રાઠૌડે આગળ કહ્યું: ‘ટોની તુમસે મિલકે એક પાર્સલ દેગા. આગે ક્યા કરના હૈ... વહી સમઝાયેગા.’

‘સર, મૈં ભી આપસે કૂછ ઇમ્પોર્ટન્ટ બાતેં શેઅર કરના ચાહતી હૂં... લેકિન રૂબરૂ મિલકર.’

‘ઠીક હૈ...તુમ અગલે હપ્તે દિલ્હી ચલી આના’ રાઠૌડે કહ્યું.

‘સર, ઉસસે પહેલે નહીં હો સકતા?’ ઝૈનાબે કહ્યું.

‘ઠીક હૈ. યે કામ ખતમ કર કે દિલ્હી આ જાના.’

ઝૈનાબની પાસપોર્ટ ઑફિસ નજીકના કૉફી હાઉસમાં ટોની પહેલેથી જ આવીને બેઠો હતો. એના ટેબલ પર કૉફીની બાજુમાં એક નાનકડું બૉક્સ હતું. એ બૉક્સ પર એણે પોતાની બ્રાઉન હેટ મૂકી રાખી હતી. લંચ ટાઇમ હોવાથી કૉફી હાઉસમાં ભીડ હતી. લગભગ બધાં ટેબલો ભરેલાં હતાં. થોડો શોર પણ હતો. ઠંડે કલેજે કામ કરનારો ટોની કમ્ફર્ટેબલ નહતો. ઝૈનાબ સમયસર પહોંચીને એની સામે બેઠી. પાર્સલ શોધવા ટેબલ પર નજર ફેરવી.

‘મુઝે જલદી જાના હોગા...’ એ બોલી.

‘શોર બહુત હૈ... બાત નહીં હો પાયેગી...’ ટોની બોલ્યો.

‘બાત ક્યા હૈ?’ ઝૈનાબે પૂછ્યું.

‘યે બોક્સ લે જાઓ. બાત ફોન પર કરેંગેં....’ એમ કહીને એણે હેટ ઉપાડી. કોફી મગ લઇને નીકળી ગયો. ઝૈનાબ બોક્સ લઇને ઊભી થઇ કે તરત જ ટેબલ ખાલી થવાની રાહ જોઇને ઊભેલું એક કપલ ઝડપથી બેસી ગયું. ઝૈનાબ માટે નિયમિત કોફી મોકલતી કેશિયર છોકરીએ આશ્ચર્યથી ભંવાં ઊંચા કરતાં કહ્યુ: ‘નો કોફી ટુડે...?’ ઝૈનાબે આંખોથી જ ના પાડી.

સાંજે ઝૈનાબ ટોનીના ફોનની રાહ જોવા સાથે સૂપ બનાવવાની તૈયારી કરી રહી હતી. વચ્ચે વચ્ચે એ ડાઇનિંગ ટેબર મૂકેલા બૉક્સ પર નજર ફેરવતી હતી. એવામાં ડોરબેલ વાગી. ઝૈનાબે બારણું ખોલ્યું.

‘મૈં સમંદર ખાન......’    

  (ક્રમશ:)