Sat Jun 27 2026

Logo

પુણે લોહગડ મર્ડર કેસ

2026-06-27 18:31:21
Author: Yogesh C. Patel
Article Image

17 કરોડનો મહેલ અને બે ચાર્ટર્ડ વિમાન બુક કર્યાની વાત ખોટી: સિયાના પિતાની સ્પષ્ટતા

પુણે: પુણેના રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર કેતન અગરવાલની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલી તેની વાગ્દત્તા સિયા ગોયલના પિતાએ લગ્ન પાછળના અંદાજિત ખર્ચ અંગે ઊઠેલી વિવિધ ચર્ચાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. લગ્ન માટે 17 કરોડ રૂપિયાને ખર્ચે કોઈ મહેલ બુક કરાયો નહોતો કે ચાર્ટર્ડ વિમાનો પણ બુક કરાયાં નહોતાં... અમારી ક્ષમતા માત્ર પાંચ કરોડ રૂપિયા ખર્ચવાની છે, એવું પિતા પ્રવીણ ગોયલે જણાવ્યું હતું.

સગાઈ કર્યા પછી સિયાએ કેતનની હત્યાની યોજના બનાવી હોવાની વાત સામે આવતાં જ પિતા પ્રવીણ ગોયલને આઘાત લાગ્યો હતો. સિયાની ધરપકડને બીજે દિવસે બ્લડ પ્રેશર વધી જવાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હૉસ્પિટલના બેડ પરથી પ્રવીણે અનેક ચોખવટ કરી હતી.

પ્રવીણનું કહેવું છે કે સિયા અને કેતનનાં લગ્ન માટે જયપુરમાં 17 કરોડ રૂપિયાનો મહેલ અને બે ચાર્ટર્ડ વિમાન બુક કરવામાં આવી હતી એવી ચર્ચા ચાલી રહી છે, જે સદંતર ખોટી છે. સિયા-કેતનનાં લગ્ન 23થી 25 નવેમ્બર દરમિયાન ઉદયપુરમાં થવાનાં હતાં. 26 નવેમ્બરે હોટેલમાંથી ચેકઆઉટનું નક્કી હતું.

એક દંપતી પાછળ દિવસના 81-82 હજાર રૂપિયા ખર્ચ થવાનો હતો. અમારી 70 રૂમ અને કેતનના પરિવાર દ્વારા 150થી 160 રૂમ બુક કરવાનું નક્કી થયું હતું. ઈવેન્ટ્સ, ખાણીપીણી મળીને અંદાજે ત્રણ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થવાનો હતો, એવો દાવો પ્રવીણ ગોયલે કર્યો હતો.

પ્રવીણે જણાવ્યું હતું કે ફ્લાઈટ બુકિંગ જુલાઈ-ઑગસ્ટમાં કરવાનું અમે નક્કી કર્યું હતું. અમને ટ્રાવેલ્સ એજન્ટે કેટલાક વિકલ્પ આપ્યા હતા, જેમાંથી એક હતો મુંબઈ-ઉદયપુરની ફ્લાઈટનો. જોકે આ વિકલ્પ અમને ફાવે એમ નહોતો, કારણ કે તેના માટે અમારે પુણેથી મધરાતે બેથી અઢી વાગ્યે નીકળવું પડે એમ હતું અને તેમાં મહેમાનો થાકી ગયા હોત. બીજો વિકલ્પ હતો પુણે-ઉદયપુરનો, પણ તેનો ખર્ચ વધુપડતો હતો. એ મારી હેસિયત બહારની વાત હતી, કારણ કે મને ઓછા બજેટમાં બુક કરવું હતું.

ત્રીજો વિકલ્પ હતો પુણે-અમદાવાદ વિમાન. ત્યાંથી કારમાં બે-બે કપલને ઉદયપુરના અનંત રિસોર્ટમાં લઈ જવાનાં હતાં. ત્રણથી ચાર કલાકનો પ્રવાસ હતો. કોઈ પણ ચાર્ટર્ડ વિમાન બુક કરવામાં આવ્યું નહોતું. હું ફ્લાઈટની ઓછા દરની 20-25 ટિકિટ કઢાવવાનો હતો, એવું પ્રવીણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું વધુમાં વધુ ચાર કરોડ રૂપિયા ખર્ચ કરી શકું એમ હતો. મારી બહેને કહ્યું હતું કે દીકરી શ્રીમંત ઘરમાં જઈ રહી છે અને ખુશ રહેશે એટલે થોડો વધુ ખર્ચ થાય તો તેનો વિચાર ન કરતો. એટલે મેં કહ્યું, ઠીક છે અને આખરે પાંચ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ કરવાનું વિચાર્યું હતું.