બાળકીને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા નહોતી, ડૉક્ટરોની બેદરકારીથી જીવ ગયો: વડીલોના આક્ષેપોથી તપાસ શરૂ
પુણે: પુણેની જાણીતી દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં મોતિયો ઊતરાવવા આવેલી છ વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હોવાની આંચકાજનક ઘટનાથી ભારે ચકચાર ફેલાઈ હતી. બાળકીને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા નહોતી, ડૉક્ટરોની બેદરકારીથી તેનો જીવ ગયો હોવાના આક્ષેપ પરિવારજનોએ કરતાં આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લામાં મોહઝરી ખાતે રહેતી પ્રિયાંશી બાગડેને એક આંખમાં મોતિયો હતો. મોતિયાનું નિદાન થતાં જ સારવાર માટે બાળકીને સારી હૉસ્પિટલમાં દાખલ કરવાનું વડીલોએ નક્કી કર્યું. આ માટે પુણેની પ્રસિદ્ધ દીનાનાથ મંગેશકર હૉસ્પિટલમાં બાળકીને લાવવામાં આવી હતી.
બાળકીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે દીકરીની એક આંખમાં મોતિયો હતો, એ સિવાય તેને બીજી કોઈ તકલીફ નહોતી. મોતિયાના સામાન્ય ઑપરેશન માટે પુણે આવવા નીકળ્યા ત્યારે પ્રિયાંશી હસતી-રમતી હતી. ઑપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યારેય પ્રિયાંશી ડરી નહોતી.
ઑપરેશન દરમિયાન એકાએક બાળકીનું મૃત્યુ થયું હોવાનું તબીબે કહ્યું હતું. આ સાંભળીને બાળકીના વડીલોને આંચકો લાગ્યો હતો. ડૉક્ટર અને હૉસ્પિટલ પ્રશાસનની બેદરકારીને કારણે માસૂમ બાળકીનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ પિતાએ કર્યો હતો. આવું અન્ય કોઈની દીકરી સાથે ન થાય તે માટે યોગ્ય કાર્યવાહીની માગણી તેમણે કરી હતી.
આ મામલે પ્રિયાંશીના પરિવારે અલંકાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પુણેની સસૂન હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરાયું હોવા છતાં મૃત્યુનું ચોક્કસ અને અચૂક કારણ જાણવા માટે આ પ્રકરણ હવે મેડિકલ બોર્ડને સોંપાયું છે. મેડિકલ બોર્ડના અહેવાલ પછી હૉસ્પિટલની બેદરકારી સિદ્ધ થતી હશે તો કાર્યવાહી કરવામાં આવશે, એમ પોલીસનું કહેવું છે.