Tue Jul 28 2026

Logo

ટીપુ સુલતાનની શિવાજી મહારાજ સાથે સરખામણી: પુણેમાં હિંસા બદલ ભાજપ, કૉંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ એફઆઇઆર દાખલ...

2026-02-16 18:01:50
Author: Yogesh D. Patel
Article Image

PTI


પુણે: કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળ દ્વારા ટીપુ સુલતાનની સરખાણી શિવાજી મહારાજ સાથે કરવામાં આવ્યા બાદ થયેલી હિંસા પ્રકરણે પુણે પોલીસે ભાજપ અને કૉંગ્રેસના શહેર પ્રમુખો તેમ જ પક્ષના અનેક કાર્યકરો વિરુદ્ધ બે અલગ અલગ કેસ દાખલ કર્યા હતા.
પુણેમાં હર્ષવર્ધન સપકાળની ટિપ્પણીનો વિરોધ કરતી વખતે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે રવિવારે થયેલી અથડામણ દરમિયાન પથ્થરમારામાં હરીફ પક્ષોના કાર્યકરો, બે પોલીસ કર્મચારી અને બે જર્નલિસ્ટ સહિત નવ જણ ઘાયલ થયા હતા.

આ પ્રકરણે સામસામી ફરિયાદ નોંધાયા બાદ ભાજપ અને કૉંગ્રેસના અનેક કાર્યકરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 (1), 189 અને 324 (4) સહિત વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.
એક કેસ ભાજપના શહેર એકમના પ્રમુખ ધીરજ ઘાટે, તેના સ્થાનિક યુવા પાંખના વડા દુષ્યંત મોહોળ તથા પક્ષના 50થી 60 અન્ય કાર્યકરો વિરુદ્ધ દાખલ કરાયો હતો. તો બીજો કેસ કૉંગ્રેસના શહેર પ્રમુખ અરવિંદ શિંદે, અન્ય બે સ્થાનિક નેતા અને પક્ષના કેટલાક અજાણ્યા કાર્યકરો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો.

રવિવારે કૉંગ્રેસ ભવન નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં બંને પક્ષના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા. તેઓ દીવાલ પર ચઢી ગયા હતા અને પથ્થરમારો થયો હતો. 
કૉંગ્રેસે પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે ઘાટે, મોહોળ તથા પક્ષના અન્ય 50થી 60 જેટલા કાર્યકરો કૉંગ્રેસ ભવન પહોંચી ગયા હતા અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારો તથા પથ્થરમારો કર્યો હતો, જેમાં વિરોધ પક્ષના ત્રણ કાર્યકર ઘાયલ થયા હતા.

બીજી ફરિયાદમાં ભાજપ દ્વારા આક્ષેપ કરાયો હતો કે શિંદે તથા કૉંગ્રેસના અન્ય કાર્યકરો દ્વારા પથ્થરમારો કરાયો હતો, જેમાં ભાજપના બે કાર્યકરો, બે મહિલા પોલીસ ઘાયલ થયાં હતાં. (પીટીઆઇ)