Sat Aug 15 2026

Logo

પવન: નાયક હૂં મૈં, ખલનાયક ભી હૂં...!

2026-08-02 10:07:00
Author: Shubhang Brahmbhatt
Article Image

 

 

 

શુભાંગ બ્રહ્મભટ્ટ

 

પવન નરી આંખે જોઈ નથી શકતો, પણ મેહસૂસ જરૂર કરી શકાય છે. હવા એટલે 78 ટકા નાઇટ્રોજન, 21 ટકા ઑક્સિજન અને બાકીના એક ટકામાં કાર્બન ડાયોકસાઇડ, હિલિયમ, ઑર્ગોન ઇત્યાદિ ઇત્યાદિ વાયુ. દોડતી હવાને પવન કહેવાય છે. હવા પ્રકૃતિમાં જીવન ટકાવવામાં મદદરૂપ થાય છે જ્યારે પવન જીવનને ગતિ આપવાનું કે ગતિ અવરોધવાનું કામ કરે છે. પવનની આ બેતરફી તાકાતનો અનુભવ અનેક ક્ષેત્રમાં જોવા મળે છે. 

 

ખેલકૂદ-સ્પોર્ટ્સમાં એનો પ્રભાવ અનેરો છે. સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સમાં ‘જવેલીન થ્રો’ - ભાલાફેંક સ્પર્ધામાં પવનના પરચાનો અનુભવ ભારતના નીરજ ચોપડા સહિત અન્ય ઍથ્લીટને થયો. ઑલિમ્પિક્સમાં બે મેડલ મેળવનાર નીરજ 90.23 મિત્રનો વૈયક્તિક વિક્રમ ધરાવે છે અને 85 મીટર કે એથી વધુ અંતર એના હાથમાંથી છૂટેલા ભાલાએ ઘણીવાર કાપ્યું છે. જોકે ગુરુવારે (30 જુલાઈ) નીરજના હાથમાંથી વછૂટેલો ભાલો 80 મીટર કાપતાં હાંફી ગયો. આશ્ર્ચર્ય તો એ વાતનું હતું કે 18 ઍથ્લીટમાંથી એક સુધ્ધાં 84 મીટરના ઑટોમેટિક ક્વૉલિફાઇંગ માર્ક જેટલા અંતર સુધી ભાલો ફેંકી ન શક્યો. શું બધાના બાવડામાં જોર ઓછું પડ્યું કે બીજું કોઈ શારીરિક કારણ હતું? ના, એમાં પવન જવાબદાર હતો. પાણીની જેમ પવન પણ મનુષ્ય જીવનમાં નાયક પણ બને છે અને ખલનાયકનો પરચો પણ બતાવે છે.

 

ખેલકૂદમાં પવનના બે પ્રકાર વિરોધાભાસી ભૂમિકા અદા કરે છે. Tailwind and Headwind- અનુકૂળ પવન અથવા પ્રતિકૂળ પવન. ટેઇલવિંડ કે અનુકૂળ પવન એટલે ઍથ્લીટની ગતિ જે દિશામાં હોય એ દિશા તરફ ફૂંકાતો પવન. આ પવન દોડતા ઍથ્લીટની ઝડપમાં વધારો કરી શકે છે અને ભાલાને થોડો વધુ દૂર પહોંચવામાં મદદ કરી શકે છે. અનુકૂળ પવન સામાન્યપણે ભાલાને બે કે ત્રણ મીટર બોનસના આપી શકે. હેડવિંડ કે પ્રતિકૂળ પવન એટલે ઍથ્લીટ દોડતો હોય એની વિરુદ્ધ દિશામાં ફૂંકાતો પવન જેને આપણે સામો પવન તરીકે પણ ઓળખીએ છીએ.

આ પવન દોડતા ઍથ્લીટની ઝડપમાં થોડો ઘટાડો કરી શકે છે અને હવામાં ફંગોળાયેલા ભાલાની ગતિમાં અવરોધ ઊભો કરી એનું અંતર ઘટાડી શકે છે. નીરજ ચોપડાએ પણ  આ જ બાબતે હૈયાવરાળ કાઢી હતી. નીરજે જણાવ્યું હતું કે ‘જવેલીન થ્રોમાં સહભાગી થયેલા ઍથ્લીટો માટે પરિસ્થિતિ (સામો પવન અને 18 ડિગ્રીની ઠંડક) પ્રતિકૂળ હતી. પવન સામો તો વાતો હતો પણ બાજુમાંથી પણ ફૂંકાતો હોવાને લીધે ઍથ્લીટોની ભાલા ફેંકમાં મુશ્કેલી નડી.’ ટૂંકમાં એ ગુરુવારે જવેલીન થ્રોના મુકાબલા દરમિયાન પવન ખલનાયક હતો.

 

જાનીવાલીપીનારા-સાત રંગનું સરનામું

 

‘આ ડિઝાઇનમાં બીજા કલર બતાવો અને આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો’ એ સાડી - ડ્રેસની દુકાનના દરેક સેલ્સમૅને નારીમુખે અનેકવાર સાંભળ્યું હશે.

 

‘મને ગુલાબી નહીં પણ રાણી કલરની જ સાડી જોઈએ છે’ કે ‘ડ્રેસ પેસ્ટલ કલરનો નહીં પણ બ્રાઇટ કલરનો જ જોઈએ’ એવો આગ્રહ ધરાર રાખતી સ્ત્રી સ્વભાવે રંગીલી નથી હોતી, પણ એને રંગોની પરખ ગજબની હોય છે.

 

જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો તો ‘લાલ, પીળો ને વાદળી એ મૂળ રંગ કહેવાય, બાકી બધા તો મેળવણીથી થાય’ એ રંગનો મહિમા સમજાવતું જોડકણું જરૂર સાંભળ્યું હશે, કદાચ મોઢે પણ કર્યું હશે. જાણવાની વાત એ છે કે આ જોડકણામાં કેવળ શબ્દોની રમત નથી બલકે એના પાયામાં વિજ્ઞાન છે. સૂર્યનું સોનેરી કિરણ ગુજરાતી સાહિત્ય અને કવિતામાં પ્રકૃતિ, નવો પ્રારંભ, આશા અને ચેતનાનું સુંદર પ્રતીક છે. વિજ્ઞાનનાં ચશ્માં પહેરો એટલે એના અસલી રંગ દેખાઈ જાય. 1666ની સાલમાં વિશ્ર્વવિખ્યાત બ્રિટિશ વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને વૈજ્ઞાનિક પ્રયોગથી સાબિત કર્યું કે સૂર્ય પ્રકાશનું કિરણ સોનેરી નથી, પણ સાત રંગનો મેળો છે.

ન્યૂટનના પ્રયોગમાં જોવા મળ્યું કે આ કિરણ ત્રિપાર્શ્વ કાચ (પ્રિઝમ)માંથી પસાર કરવામાં આવતાં એનું સાત રંગમાં વિભાજન થયું. એ સાત રંગ હતા જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો જે જાનીવાલીપીનારા તરીકે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં VIBGYOR - Violet, Indigo, Blue, Green, Yellow, Orange, Red કહેવાય છે. આ સાતમાંથી લાલ, પીળો ને વાદળી શુદ્ધ અને તેજસ્વી રંગ કહેવાય છે. બાકીના બે કે તેથી વધુ રંગના મિશ્રણથી તૈયાર થાય છે. આ વાત યાદ રહી જાય એ હેતુથી જોડકણું તૈયાર થયું હશે. મેળવણીના રંગની વાત કરીએ તો પીળા રંગમાં વાદળી રંગ ઉમેરવાથી લીલો રંગ બને છે.

લાલ અને પીળા રંગના સંયોજનથી નારંગી (કેસરી)નો જન્મ થાય છે. વાદળી (બ્લુ) અને લાલના મિશ્રણથી જાંબલી રંગ અસ્તિત્વમાં આવે છે. ન્યૂટને સૌપ્રથમ મેઘધનુષમાં સ્પેક્ટ્રમ (વર્ણપટ)નો ઉલ્લેખ કર્યો હતો. 400 નેનોમીટરથી 700 નેનોમીટર તરંગ લંબાઈના વર્ણપટમાં આપણે લાલથી જાંબલી રંગની અનુભૂતિ કરી શકીએ છીએ. અલબત્ત,  સૂર્ય પ્રકાશમાં અને કૃત્રિમ પ્રકાશમાં રંગ ભિન્ન લાગે છે. ટમેટાં સૂર્ય પ્રકાશની સરખામણીમાં ટ્યૂબ લાઇટના અજવાળામાં વધુ લાલ અને આકર્ષક દેખાતાં હોય છે. એનું કારણ સૂર્ય પ્રકાશનો વર્ણપટ સળંગ હોય છે. આ જ કારણસર રંગ ચકાસવા મહિલાઓ સાડી દુકાનમાંથી બહાર લાવી સૂર્ય પ્રકાશમાં ચકાસણી કરતી હોય છે.

 

દરિયાના પેટાળમાં જેઝ મ્યુઝિક

 

પ્રાણી વિજ્ઞાન કહે છે કે ઉત્તર ધ્રુવના સમુદ્ર વિસ્તારમાં જોવા મળતી બોહેડ વ્હેલ આશરે બસો વર્ષની આવરદા ધરાવે છે. પાણી નીચે લાંબો પ્રવાસ કરતી વખતે મુસાફરી કંટાળાજનક ન બને એ માટે આ વ્હેલ ગીતો ગાય છે અને એ ગીતો એવી શૈલીનાં છે કે તેમને જેઝ આર્ટિસ્ટ કહેવાં પડે, બોલો. પ્રાણીશાસ્ત્રની ગતિવિધિના સંશોધનમાં વિશેષ દિલચસ્પી ધરાવતા સંશોધકોએ બોહેડ વ્હેલનાં ગીત ગાવાની આવડતનો અભ્યાસ કરવાના ઇરાદાથી ગ્રીનલૅન્ડમાં આશરે 300 બોહેડ વ્હેલનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો.

આ સંશોધન દરમિયાન વ્હેલનાં ઘણાં ગીત રેકૅાર્ડ કર્યા જેમાં આ પ્રાણીની અલાયદી ગાયન શૈલીનો પરિચય થયો હતો. સંશોધકોને જાણવા મળ્યું કે નર વ્હેલ દ્વારા ગાવામાં આવેલાં 184 ગીતો ગાઈને તેમણે માદાને સંવનન માટે આમંત્રણ આપ્યું હતું. 60 ફૂટની મહત્તમ લંબાઈ ધરાવતી બોહેડ અને હમ્પબૅક વ્હેલ વૈવિધ્યપૂર્ણ ગીતો રજૂ કરવા માટે જાણીતી છે. અન્ય વ્હેલ પણ સૂર છેડીને પોતાની કળાનો પરિચય આપતી રહે છે, પણ તેમનાં ગીતોમાં વૈવિધ્ય નથી હોતું. વર્ષોનાં વર્ષો એ જ રેકૉર્ડ વગાડ્યા કરતી હોય છે.

કેટ સ્ટેફર્ડ નામના એક વૈજ્ઞાનિકે આપેલી માહિતી મુજબ હમ્પબેક વ્હેલ જે ગીતો ગાય છે એ શાસ્ત્રીય સંગીતને મળતા આવે એવાં હોય છે, જ્યારે બોહેડની શૈલી જેઝ મ્યુઝિકનું સ્મરણ કરાવી દે છે. જો આ બે વ્હેલની જુગલબંદી કરાવવી હોય તો સંગીત રસિયાઓને જલસો જ પડી જાય, નહીં? વિજ્ઞાનની સમજણ કહે છે કે રસ્તો શોધવા, સંપર્ક કરવા તેમ જ શિકાર શોધવા અને માદાનો સાથ મેળવવા વ્હેલ અવાજનો ઉપયોગ કરતી હોય છે. ઊંડા પાણીમાં અવાજ પ્રકાશ કરતા સારી ઝડપે વધુ દૂર સુધી જઈ શકે છે. વ્હેલનાં ગીત એના ઇરાદા પ્રમાણે બદલાય છે. કુદરતની વાત સાચે જ ન્યારી છે.

 

ઉદ્દીપક - વિજ્ઞાનમાં ને જીવનમાં...

 

વિજ્ઞાનમાં વપરાશ ધરાવતા એવા કેટલાક પદાર્થ હોય છે જે મનુષ્ય જીવનમાં સૂક્ષ્મરૂપે ભાગ ભજવી મહત્ત્વનું યોગદાન આપતા હોય છે. સોડિયમ અને ક્લોરીન એ બન્ને વિજ્ઞાન અભ્યાસના મહત્ત્વના ઘટક છે. સોડિયમ ધાતુ - મેટલ છે જ્યારે ક્લોરિન વાયુ - ગૅસ છે. જોકે, આ બન્નેના અણુઓ વચ્ચે રાસાયણિક ક્રિયાથી તૈયાર થતો સોડિયમ ક્લોરાઇડ મનુષ્યના દૈનિક જીવનનો અત્યંત જરૂરી હિસ્સો છે. સોડિયમ ક્લોરાઇડ સામાન્ય ભાષામાં મીઠું - સબરસ તરીકે ઓળખાય છે. એ જ રીતે વિજ્ઞાનમાં કેટલિસ્ટ - ઉદ્દીપક પણ મહત્ત્વ ધરાવે છે.

કેમિસ્ટ્રી - રસાયણ શાસ્ત્રમાં પોટેશ્યમ પરમેંગેનેટ (KMnO4 - Potassium Permanganate) તરીકે ઓળખાતા આ પદાર્થના વિવિધ ઉપયોગ છે, પણ સૌથી આંખે ઊડીને વળગે એવો ઉપયોગ છે ઉદ્દીપક તરીકેનો.  H2O2 (Hydrogen Peroxide)- હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી પ્રયોગશાળામાં  પ્રાણવાયુ - ઑક્સિજન બનાવવામાં આવે ત્યારે પોટેશ્યમ પરમેંગેનેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદાર્થ પ્રાણવાયુ તૈયાર કરવાની પ્રક્રિયામાં આડકતરી રીતે સહભાગી થાય છે. મતલબ કે ઑક્સિજન તૈયાર કરવામાં એનું સીધું યોગદાન નથી, પણ એની હાજરીને કારણે સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપથી પાર પડે છે. એની હાજરીથી સમય અને એને પગલે બીજી કેટલીક બાબતની બચત થાય છે.

 

મનુષ્યએ પણ શક્ય હોય એટલા જીવનમાં ઉદ્દીપક તરીકે કામ કરવું જોઈએ. આપણી હાજરી જે તે વ્યક્તિને એના લક્ષ્યાંક તરફ ઝડપથી આગળ વધવામાં નિમિત્ત બને એનાથી રૂડું શું? ગીતકાર શૈલેન્દ્ર લખી ગયા છે ને કે मर के भी किसी को याद आयेंगे, किसी के आँसुओं में मुस्कुरायेंगे, कहेगा फूल हर कली से बार बार, जीना --इसी का नाम है.