Fri Aug 28 2026

Logo

સાયબર ફ્રોડ કરનારાઓને 300 સિમ કાર્ડ પૂરાં પાડ્યાં: પીઓએસ એજન્ટની ધરપકડ...

2026-03-13 19:21:00
Author: Yogesh C. Patel
સાયબર ફ્રોડ કરનારાઓને 300 સિમ કાર્ડ પૂરાં પાડ્યાં: પીઓએસ એજન્ટની ધરપકડ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગ્રાહકોનાં આધાર કાર્ડનો દુરુપયોગ કરીને સાયબર ફ્રોડ કરનારાઓને 300 સિમ કાર્ડ્સ કથિત રીતે પૂરાં પાડનારા પીઓએસ (પૉઈન્ટ ઑફ સેલ) એજન્ટની સાયબર પોલીસે ધરપકડ કરી હતી.નૉર્થ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ કમલ પુખરાજ કુલદીપ (25) તરીકે થઈ હતી. આરોપીએ પૂરાં પાડેલાં અમુક સિમ કાર્ડનો ઉપયોગ દેશમાં અનેક ઑનલાઈન ફ્રોડના કેસોમાં થયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. એક કેસમાં તો આરોપીએ કુલદીપે આપેલા સિમ કાર્ડની મદદથી સિનિયર સિટીઝન પાસેથી ‘ડિજિટલ અરેસ્ટ’નેે નામે 29 લાખ રૂપિયા પડાવ્યા હતા.

ગોરેગામમાં રહેતા 66 વર્ષના પશ્ર્ચિમ રેલવેના એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ઑફિસરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ યુનિફોર્મ પહેરેલા શખસે ડિસેમ્બર, 2025માં ફરિયાદીને વીડિયો કૉલ કર્યો હતો. કૉલ કરનારા શખસે ફરિયાદીને કહ્યું હતું કે તેમના આધાર કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે. એ સિમ કાર્ડ સંબંધી ફરિયાદ લખનઊના એટીએસમાં નોંધાઈ છે.

બાદમાં ફરિયાદીનો કૉલ અન્ય ઑફિસરને ટ્રાન્સફર કરાયો હતો, જેણે પોતાની ઓળખ એનઆઈએના ચીફ સદાનંદ દાતે તરીકે આપી હતી. જોકે દાતેનો ચહેરો વીડિયો કૉલમાં નજરે પડતો નહોતો. ફરિયાદીના સિમ કાર્ડને 60 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ રીતે ડિજિટલ અરેસ્ટ કરી ફરિયાદી પાસેથી નાણાં પડાવવામાં આવ્યાં હતાં.

કેસની તપાસ દરમિયાન પોલીસ ચેમ્બુરમાં રહેતા કુલદીપ સુધી પહોંચી હતી. કુલદીપ પીઓએસ એજન્ટ તરીકે કામ કરતો હતો ત્યારે સિમ કાર્ડ ખરીદનારા ગ્રાહકોનાં આધાર કાર્ડ તે સહેલાઈથી પ્રાપ્ત કરી શકતો હતો. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેણે 300 સિમ કાર્ડ ઍક્ટિવેટ કરાવ્યાં હતાં અને સાયબર ઠગ સુધી પહોંચાડ્યાં હતાં, એવું તપાસમાં જણાયું હતું.