કોલકાતા: વિધાનસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ગરમાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ચૂંટણી પ્રચાર માટે ઝારગ્રામ પહોંચ્યા હતાં. આ દરમિયાન તેઓ એક દુકાન પર રોકાયા હતાં અને અને ઝાલમુરી ખાધી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. દુકાન પર ઉભા રહીને 10 રૂપિયામાં ઝાલમુરી ખાવા બદલ લોકો વડાપ્રધાનના વખાણ કરી રહ્યા છે. એવામાં તૃણમુલ કોંગ્રેસ(TMC)એ એક અલગ પ્રકારનો દાવો કર્યો છે.
TMC એ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારગ્રામમાં ઝાલમુરી ખાઈ રહ્યા હતા, ત્યારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને તેમના વિધાનસભ્ય પત્ની કલ્પના સોરેનના વિમાનને એરપોર્ટથી ટેક ઓફ કરવાની મંજુરી મળી ન હતી. TMC એ જણાવ્યું કે હેમંત સોરેન અને કલ્પના સોરેનને બંનેને કલાકો સુધી રાહ જોવી પડી.
TMC એ X પરની એક પોસ્ટમાં લખ્યું, "વડાપ્રધાન ઝાલમુરી ખાવા માટે ઝારગ્રામમાં રોકાયા. પરિણામે, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને તેમની પત્ની કલ્પના સોરેનના વિમાનને ઝારગ્રામ ઉપર ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આમ, લોકશાહી રીતે ચૂંટાયેલા બે પ્રતિનિધિઓને તેમની ફ્લાઇટમાં બેસવા માટે કલાકો સુધી રાહ જોવી પડી.”
TMC એ લખ્યું, “બંને રાંચી પાછા ફર્યા, પણ તેમના નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી શક્યા નહીં. આ ફક્ત એટલા માટે થયું કારણ કે વડાપ્રધાને નાસ્તો કરવા વિરામ લીધો હતો અને તેમના ફોટોગ્રાફ ક્લિક કરાવવામાં વ્યસ્ત હતા. પરિણામે, હેમંત સોરેન અને તેમની પત્નીના લોકશાહી અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું."
TMCએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.