ગ્વાલિયરની ‘કિસિંગ કાર’ની ઘટના બાદ સવાલ એ છે કે ભારતમાં કાર માલિક પોતાની ગાડીને પોતાની મરજી મુજબ કેટલી હદ સુધી મોડિફાય કરી શકે? મોટર વ્હીકલ્સ એક્ટ, 1988ની કલમ 52 હેઠળ વાહનની મૂળ ઉત્પાદક સ્પેસિફિકેશન અથવા રજિસ્ટ્રેશનની વિગતોમાં ફેરફાર કરવા પર નિયંત્રણ છે, જ્યાં જરૂરી હોય ત્યાં કોઈ પણ ફેરફાર કરતા પહેલાં સંબંધિત રજિસ્ટ્રિંગ ઓથોરિટીની મંજૂરી લેવી પડે છે. એટલે કાર ખરીદી લીધા બાદ તેને મનફાવે તેમ બદલવાની સંપૂર્ણ છૂટ નથી.
નિયમોની વાત કરીએ તો ટિન્ટેડ ગ્લાસ કે બ્લેક ફિલ્મ, વધુ અવાજ કરતો આફ્ટરમાર્કેટ એક્ઝોસ્ટ, પ્રેશર અથવા મલ્ટી-ટોન હોર્ન, અનધિકૃત એક્સ્ટ્રા લાઇટ્સ અને મંજૂરી વિના વાહનનો રંગ બદલવા જેવા ફેરફારો મુશ્કેલી ઊભી કરી શકે છે.
વાહનની મૂળ ઓળખ અથવા મેક છુપાવવી કે બદલવી, મોટા સ્ટ્રક્ચરલ ફેરફાર કરવા અને હાઈ-બીમનો એવો ઉપયોગ કરવો કે અન્ય વાહનચાલકોને તકલીફ પડે, તે પણ નિયમોના દાયરામાં આવે છે.
આ ઉપરાંત ખાનગી વાહન પર ‘પ્રેસ’ જેવા સત્તાવાર ઓળખ દર્શાવતા સ્ટીકરનો ખોટો ઉપયોગ કરવો પણ કાર્યવાહીનું કારણ બની શકે છે. નિયમોનું ઉલ્લંઘન થાય તો દંડ, ચલાન અથવા કાયદા મુજબ વાહન જપ્ત કરવાની કાર્યવાહી થઈ શકે છે.
એટલે ગ્વાલિયરમાં 3,400 લિપસ્ટિક કિસ માર્ક્સવાળી કારનો મામલો માત્ર વાયરલ વીડિયો નથી, પરંતુ કારને ‘પોતાની મરજી મુજબ’ મોડિફાય કરતા પહેલાં કાયદાની મર્યાદા જાણવી કેટલી જરૂરી છે તેનું જીવંત ઉદાહરણ પણ બની ગયો છે.