Tue Sep 29 2026

Logo

પીએમ મોદી અને પુતિનની ‘કાર ડિપ્લોમસી’: ભારત મંડપમ ખાતે એક જ કારમાં સવારી, દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત

2026-09-11 21:12:01
Author: Mumbai Samachar Team
પીએમ મોદી અને પુતિનની ‘કાર ડિપ્લોમસી’: ભારત મંડપમ ખાતે એક જ કારમાં સવારી, દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત

DD News/ANI


નવી દિલ્હીઃ દિલ્હીના ભારત મંડપમ ખાતે બ્રિક્સના 18મા શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે. આ સંમેલન દરમિયાન ભારત આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ‘કાર ડિપ્લોમસી’ જોવા મળી હતી. બંને નેતાઓ એક જ કારમાં પ્રદર્શનની મુલાકાત લેવા પહોંચ્યા હતા. બ્રિક્સ સંમેલન દરમિયાન વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે લગભગ 50 મિનિટ સુધી દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બંને નેતાઓ એક જ કારમાં ભારત મંડપમ ખાતે યોજાયેલા ઇનોપ્રોમ પ્રદર્શનની મુલાકાત લેવા ગયા હતા. આ પહેલાં પીએમ મોદી અને પુતિને હાથ મિલાવ્યા હતા અને એકબીજાને ગળે મળ્યા હતા. 

નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલાં 1 સપ્ટેમ્બરે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં પણ બંને નેતાઓ એક જ કારમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચેની મિત્રતા અને ઉષ્માભર્યા સંબંધોની ઝલક જોવા મળી હતી. વડા પ્રધાન મોદી અને પુતિન વચ્ચેની 40 મિનિટની દ્વિપક્ષીય બેઠકમાં વેપાર, સંરક્ષણ અને ઊર્જા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું જણાવાયું છે. બંને નેતાઓએ આ સિવાય  વૈશ્વિક મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

પુતિને વડા પ્રધાન મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 24મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદીએ આ આમંત્રણ સ્વીકારી લીધું છે. બંને દેશોની પરસ્પર અનુકૂળતા મુજબ શિખર સંમેલનની તારીખ રાજદ્વારી માધ્યમો દ્વારા નક્કી કરવામાં આવશે.

દ્વિપક્ષીય બેઠક પહેલાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને એક પુસ્તક ભેટમાં આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ પુસ્તક તમિલ કવિ તિરુવલ્લુવર દ્વારા લખવામાં આવ્યું છે અને તેમાં માનવ મૂલ્યો સાથે જોડાયેલા વિચારો છે. આ પુસ્તકનો રશિયન ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ પુસ્તક બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.

બંને દેશો વચ્ચે રાજકીય, આર્થિક, સંરક્ષણ, ઊર્જા અને અવકાશ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત રેલવે અને ટનલ નિર્માણમાં ઔદ્યોગિક સહયોગ વધારવા, સ્ટીલના ભાવ માટે નવી સિરીઝ વિકસાવવા અને બંને દેશોના વેપારીઓ માટે નવી તકો ઊભી કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. 

રશિયન બજારમાં ભારતીય કંપનીઓની પહોંચ વધારવા, નાગરિક પરમાણુ ઊર્જા સહયોગ, ઈંધણ ચક્ર અને લાઇફ-સાયકલ સપોર્ટ જેવા મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. રશિયામાં ભારતીય કામદારોની સંખ્યા વધારવા, મહત્વપૂર્ણ ખનિજ ક્ષેત્રે સહયોગ અને ખાતર ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંયુક્ત સાહસો દ્વારા ભાગીદારી મજબૂત કરવા અંગે પણ વાતચીત થઈ હતી. આ પહેલાં ડિસેમ્બર 2025માં નવી દિલ્હીમાં બંને નેતાઓ વચ્ચે 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન મુલાકાત થઈ હતી.