Mon Jul 27 2026

Logo

ભારત માટે ઐતિહાસિક ક્ષણ! નેધરલેન્ડે ચોલ કાળના 11મી સદીના મૂલ્યવાન શિલાલેખો ભારતને પરત કર્યા, મોદી વ્યક્ત કરી ખુશી

2026-05-17 12:56:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા માટે શનિવારનો દિવસ ખૂબ જ યાદગાર અને ગૌરવપૂર્ણ સાબિત થયો છે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે નેધરલેન્ડ સરકારે 11મી સદીના ચોલ કાળના ઐતિહાસિક તાંબાના શિલાલેખો (તાંબ્રપત્રો) ભારતને પરત સોંપ્યા છે. આ અમૂલ્ય સાંસ્કૃતિક વારસાને ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપની લૂંટીને નેધરલેન્ડ લઈ ગઈ હતી, જેને પાછા લાવવા માટે ભારત લાંબા સમયથી રાજદ્વારી પ્રયાસો કરી રહ્યું હતું.

પીએમ મોદીએ તમિલ ભાષામાં પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી

નેધરલેન્ડના વડાપ્રધાન રોબ જેટેનની ઉપસ્થિતિમાં આયોજિત એક વિશેષ સમારોહમાં આ શિલાલેખો ભારતને સોંપવામાં આવ્યા હતા. આ ઐતિહાસિક ક્ષણ અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તમિલ ભાષામાં પોસ્ટ કરીને દરેક ભારતીય માટે આને ખૂબ જ આનંદની ક્ષણ ગણાવી હતી.

પીએમ મોદીએ શું કહ્યું?

એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું કે, નેધરલેન્ડથી 11મી સદીના ચોલ કાળના તાંબાના શિલાલેખો ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. ચોલ કાળના આ તાંબ્રપત્રોમાં 21 મોટા અને 3 નાના શિલાલેખો સામેલ છે. તેમાંથી મોટાભાગના શિલાલેખો વિશ્વની સૌથી સુંદર ભાષાઓમાંની એક એવી તમિલ ભાષામાં કોતરેલા છે. આ પત્રો સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમ દ્વારા તેમના પિતા રાજારાજા ચોલ પ્રથમ પાસેથી મૌખિક રીતે મળેલી પ્રતિજ્ઞાને ઔપચારિક રૂપ આપવા માટે તૈયાર કરાયા હતા. આ શિલાલેખો ચોલ સામ્રાજ્યના ભવ્ય ઈતિહાસ, સંસ્કૃતિ અને તેમની અદભુત નૌકા સૈન્ય શક્તિની સાક્ષી પૂરે છે.

શિલાલેખોને સુરક્ષિત રાખવા બદલ પીએમ મોદીએ આભાર માન્યો

પીએમ મોદીએ નેધરલેન્ડ સરકાર અને ખાસ કરીને લીડેન યુનિવર્સિટી (Leiden University) નો આભાર માન્યો હતો, જેણે 19મી સદીના મધ્યભાગથી આ કિંમતી શિલાલેખોને ખૂબ જ સુરક્ષિત રીતે સાચવી રાખ્યા હતા. આથે વિદેશ યાત્રાની વાત કરવામાં આવે તો, પોતાની 5 દેશોની સત્તાવાર વિદેશ યાત્રાના બીજા તબક્કામાં નેધરલેન્ડ પહોંચેલા પીએમ મોદી અને નેધરલેન્ડના પીએમ રોબ જેટેન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે રોકાણ, ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર અને સાંસ્કૃતિક વારસાને લગતા અનેક મહત્વપૂર્ણ કરારો (MoU) થયા હતા.