નવી દિલ્હી: સંસદની ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) સંબંધી સ્થાયી સમિતિની આજે રાજધાની દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, જેમાં ફેસબુક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો હટાવવાના મામલે મેટા (Meta) કંપની સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન સમિતિના સભ્યોએ મેટાના અધિકારીઓને આકરા સવાલો પૂછ્યા હતા. મેટાના અધિકારીઓએ માફી માંગતા જણાવ્યું હતું કે આ વીડિયો તકનીકી ખામીને કારણે હટી ગયો હતો. જોકે, સમિતિના અનેક સભ્યોએ સ્પષ્ટ કર્યું કે આ મામલો માત્ર માફી પૂરતો સીમિત નથી, પરંતુ આમાં જવાબદેહી નક્કી થવી જરૂરી છે.
આ ઉપરાંત, સમિતિના સભ્યોએ વીડિયો હટાવવા માટે જવાબદાર મેટાના અધિકારી સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. સમિતિએ મેટા પાસે તેના પ્લેટફોર્મ પર રહેલી વિવાદિત અને વાંધાજનક સામગ્રીને રોકવા માટે કંપની દ્વારા લેવાયેલા પગલાંની વિગતો પણ માંગી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ દેશના યુવાનોને સંબોધિત કરતી અને પેપર લીક સામે કડક પગલાં લેવાનું વચન આપતી એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટને ફેસબુક પર થોડા સમય માટે પ્રતિબંધિત કરી દેવામાં આવતા સરકારે મેટાના ઉચ્ચ અધિકારીઓને સમન્સ પાઠવીને બોલાવ્યા હતા.
અમેરિકા સ્થિત આ સોશિયલ મીડિયા કંપનીએ આ ઘટના માટે તકનીકી ખામીને જવાબદાર ઠેરવી માફી માંગી હતી, પરંતુ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ સ્પષ્ટતાને અપૂરતી ગણાવી હતી. આ મુદ્દા બાદ, મેટાએ IT મંત્રાલયને જાણ કરી છે કે હવેથી વડાપ્રધાન અને અન્ય કેટલાક અગ્રણી એકાઉન્ટ્સની પોસ્ટ પ્લેટફોર્મ પર વધારાની દેખરેખ હેઠળ રહેશે, જેમાં કંપનીના મોટા અધિકારીઓને સામેલ કરીને અનેક સ્તરે ચકાસણી કરવામાં આવશે. મેટાએ સરકારને પત્ર લખીને પીએમ મોદી અને અન્ય મહત્વપૂર્ણ ખાતાઓ માટે લાગુ કરાયેલા આ કડક સુરક્ષા પગલાં વિશે ખાતરી આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.